હરિદ્વાર બાદ બારાબંકીમાં કરુણ દુર્ઘટના : મૃતકોના કુટુંબોને પાંચ-પાંચ લાખની સહાયનું એલાન
લખનઉ, તા. 28 : હરિદ્વારનાં મનસાદેવી મંદિરમાં જીવલેણ દુર્ઘટના બન્યાના બીજા જ દિવસે શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે ઉત્તરપ્રદેશમાં બારાબંકીના અવસાનેશ્વર મંદિરમાં ભાગદોડ મચી હતી, જેમાં બે ભક્તનાં મોત થયાં હતાં, તો બાળકો-મહિલાઓ સહિત 40 લોકો ઘાયલ થયા હતા. પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દુર્ઘટના બદલ દુ:ખ સાથે મૃતકોના શોકમગ્ન પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
યોગી સરકારે મૃતકોના પરિવારોને પાંચ-પાંચ લાખ રૂપિયા સહાય આપવાનું એલાન કર્યું હતું. દુર્ઘટના સર્જાઇ ત્યારે ત્રણ?હજાર જેટલા ભક્ત દર્શન માટે કતારમાં ઊભા હતા, તેવું અહેવાલો પરથી જાણવા મળ્યું હતું.
ગઇકાલ રવિવારની મોડીરાતે અઢી વાગ્યાથી જ મંદિરમાં ભક્તોની ભીડ જામી હતી. અહેવાલ અનુસાર વાંદરાઓની કૂદાકૂદથી વીજતાર તૂટતાં કરંટ ફેલાયો હતો.
નાયબ મુખ્યમંત્રી બ્રજેશ?પાઠકે ઘટના અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી 24 કલાકમાં અહેવાલ માગ્યો હતો.
કલેક્ટર શશાંક ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, વાંદરા કૂદતાં વીજતાર તૂટીને મંદિર પરિસરના ટીન શેડ પર પડયો હતો.
કરંટ લાગતાં 16 વર્ષના પ્રશાંતકુમાર અને 35 વર્ષીય રમેશકુમારે જીવ ખોયો હતો. મુખ્યપ્રધાને જિલ્લા પ્રશાસનને ઘાયલોની સત્વરે સારવાર સહિત સહયોગનો નિર્દેશ આપ્યો હતો.