• મંગળવાર, 23 જૂન, 2026

ઓપરેશન સિંદૂરને વિરામ, પૂરું નથી કર્યું : સરકાર

લોકસભામાં મોડી રાત સુધી ચાલી ઓપરેશન સિંદૂર ઉપર ચર્ચા : રાજનાથ અને જયશંકરે વિપક્ષનાં આરોપ ફગાવતા ટ્રમ્પનાં યુદ્ધવિરામનાં દાવાને કર્યો ખારિજ

 

આનંદ કે. વ્યાસ

નવી દિલ્હી, તા.28: લોકસભામાં આજે ઓપરેશન સિંદૂર ઉપર મહાચર્ચાનો આરંભ થયો હતો અને રાતનાં 12 કલાક સુધી આ મુદ્દે ગંભીર સવાલ-જવાબનો સિલસિલો ચાલ્યો હતો. જેમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે કોઈનાં દબાણમાં આવીને ઓપરેશન સિંદૂર અટકાવવામાં આવ્યું હોવાનાં વિપક્ષનાં આરોપને ખારિજ કરતાં કહ્યું હતું કે, ઓપરેશનનાં તમામ લક્ષ્યો હાંસલ કરી લેવાયા હતાં અને તેને કોઈનાં દબાણમાં રોકવામાં આવ્યું નહોતું. તેમણે પાક.ને ચેતવજ્ઞી આપતાં કહ્યું હતું કે ઓપરેશન સિંદૂરને વિરામ અપાયો છે, પૂરું કરાયું નથી. ઓપરેશન સિંદૂર પછી વૈશ્વિક સ્તરે ભારત એકલું પડી ગયાની વિપક્ષની આલોચનાનો જવાબ આપતાં વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું હતું કે, પાકિસ્તાનને આખી દુનિયા સામે બેનકાબ કરી દેવામાં આવ્યું છે. સંયુક્તરાષ્ટ્રમાં સામેલ 193 દેશોમાંથી ફક્ત ત્રણ જ દેશોએ ઓપરેશન સિંદૂરને સમર્થન કર્યુ નહોતું. આ ઉપરાંત તેમણે પણ રાજનાથની જેમ ભારપૂર્વક દોહરાવ્યું હતું કે, આ ભારત અને પાક. વચ્ચેનો દ્વિપક્ષીય મામલો હતો અને તેને કોઈની પણ દખલથી રોકવામાં આવ્યું નહોતું. બલ્કે ડીજીએમઓ સ્તરેથી પાકિસ્તાને જ ઓપરેશન અટકાવવાનાં અનુરોધ કર્યા હતાં. આમ, સરકારે સંસદનાં તખ્તા ઉપરથી અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં યુદ્ધવિરામ કરાવ્યાનાં દાવાઓને પરોક્ષ રીતે ખારિજ કરી નાખવામાં આવ્યા છે.

આજે લોકસભામાં પહલગામ આતંકવાદી હુમલાનાં જવાબમાં ભારતનાં નિર્ણાયક અને સફળ ઓપરેશન સિંદૂરની ચર્ચાનો આરંભ કરાવવામાં આવ્યો હતો અને તેમણે શરૂઆતમાં જ કહ્યું હતું કે, આતંકવાદ સામે આપણી ઝીરો ટોલરન્સની નીતિને આખી દુનિયાએ જોઈ છે અને આપણે તેમાંથી પાછળ હટવાનાં નથી. કોઈના દબાણમાં આવીને ઓપરેશન રોકવામાં આવ્યું નહોતું બલ્કે આપણે દુશ્મનોનાં મનસૂબા ઉપર પાણી ફેરવી દીધું હતું. આપણો હેતુ યુદ્ધ છેડવાનો નહી પણ આતંકી માળખાને નેસ્તનાબૂદ કરવાનો હતો. જેને માત્ર 22 મિનિટમાં જ હાંસલ કરી લેવામાં આવ્યું હતું. પાકિસ્તાન તરફથી ડીજીએમઓ સ્તરે સંપર્ક કરીને કાર્યવાહી રોકવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો. જેને આપણે એવી શરતે સ્વીકાર્યો હતો કે, ભવિષ્યમાં જો કોઈ દુ:સાહસ થશે તો આ ઓપરેશન ફરીથી શરૂ થશે.

રક્ષામંત્રીએ વિપક્ષ ઉપર નિશાન સાધતા કહ્યું હતું કે, વિપક્ષનાં લોકો કેટલા વિમાન તૂટયા એવો સવાલ કર છે. આ સવાલ રાષ્ટ્રીય ભાવનાનું સાચું પ્રતિનિધિત્વ કરતો નથી. જો લક્ષ્ય મોટા હોય તો નાના મુદ્દે સવાલ કરાતા નથી. વિપક્ષે એવો સવાલ કરવાની જરૂર હતી કે, ભારતીય સેનાએ પાક.નાં કેટલા વિમાન તોડયા અને કેટલા ઠેકાણા ધ્વસ્ત કર્યા. 

આ ઓપરેશનમાં કમસેકમ 100થી વધુ આતંકવાદીઓનો ખાત્મો કરાયો હોવાનું પણ રાજનાથે ઉમેર્યું હતું.

ભારત-પાક. વચ્ચે શત્રવિરામમાં ટ્રમ્પની ભૂમિકા અંગે જયશંકરે જવાબ આપતાં તમામ અટકળોને નકારી કાઢી હતી. જયશંકરે કહ્યું હતું કે, પહલગામ આતંકવાદી હુમલાનાં દિવસ 22 એપ્રિલથી યુદ્ધવિરામની ઘોષણા થઈ તે 17 જૂનનાં દિવસ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે કોઈ જ વાતચીત થઈ નહોતી. પાક.નાં ડીજીએમઓ દ્વારા ભારતમાં તેમનાં સમકક્ષનો સંપર્ક કરીને ઓપરેશન રોકવા માટે અનુરોધ થયા બાદ અભિયાન રોકવામાં આવ્યું હતું.

સરકારની વિદેશ નીતિ ઉપર વિપક્ષનાં સવાલોનો જવાબ આપતાં જયશંકરે કહ્યું હતું કે, સરકારની વિદેશ નીતિનાં હિસાબે જ અમેરિકાએ ટીઆરએફ જૂથને આતંકી યાદીમાં નાખી દીધું છે. આ ઉપરાંત 26/11નાં આરોપી તહવ્વુર રાણાને પણ અમેરિકાથી ભારતની વિદેશનીતિનાં કારણે જ લાવવો સંભવ બન્યો છે.

ઉલ્લેખનીય છે કે, આજે દિવસભરની ચર્ચા દરમિયાન તૃણમૂલ સાંસદ કલ્યાણ બેનરજીએ ઓપરેશન સિંદૂર રોકી દેવાનાં સરકારનાં નિર્ણય ઉપર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, સરકારે 90 રને દાવ ડિકલેર કરી નાખ્યા જેવું થયું છે. તો કોંગ્રેસનાં સાંસદ ગૌરવ ગોગોઈએ ભારતનો ઈરાદો યુદ્ધનો ન હોવાનાં સરકારનાં બચાવ સામે સવાલ કર્યો હતો કે, તો પછી ઈરાદો શું હતો? પીઓકે આજે નહીં તો ક્યારે પરત લેવાશે?

દરમિયાન આજે બિહારમાં મતદાર યાદીની વિશેષ સમીક્ષા મુદ્દે રાજ્યસભામાં વિપક્ષનો હંગામો જારી રહ્યો હતો અને વારંવાર કાર્યવાહી ખોરવાયા બાદ દિવસભર માટે ગૃહને સ્થગિત રાખી દેવામાં આવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક