• મંગળવાર, 23 જૂન, 2026

ઓપરેશન મહાદેવ ા શ્રાવણનાં સોમવારે સેનાનું તાંડવ


AK-47, ગ્રેનેડ, પાકિસ્તાની પાસપોર્ટ બરામદ : સેટેલાઈટ ફોને લોકેશન છતું કર્યું

 

 નવી દિલ્હી, તા. 28 : શ્રાવણ મહિનાના સોમવારે દેશભરમાં ભગવાન શિવના દર્શન માટે મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી ત્યારે જમ્મુ કાશ્મીરમાં આ ખાસ દિવસે ભારતીય સેનાએ આતંકવાદીઓ સામે અલગ જ તાંડવ કર્યું હતું અને ઓપરેશન મહાદેવ હેઠળ શ્રીનગરના લિડવાસ વિસ્તારમાં ત્રણ આતંકવાદી ઠાર કર્યા હતા, જે પહલગામ હુમલાના ગુનેગાર હતા. આ કાર્યવાહીમાં પહલગા હુમલાનો આરોપી સુલેમાન શાહ ઉર્ફે હાસિમ મુસા ઠાર થયો છે તેમજ આતંકવાદી અબૂ હમઝા અને યાસિર પણ માર્યા ગયા છે. જેની લાંબા સમયથી સુરક્ષા દળોને તલાશ હતી. આતંકીઓ પાસેથી એકે-47, ગ્રેનેડ, આઈઈડી બોમ્બ મળ્યા છે. તેમજ હાસિમ પાસે પાકિસ્તાની પાસપોર્ટ અને સેટેલાઈટ ફોન મળી આવ્યો છે.  સરકારે સુલેમાન શાહ ઉપર 20 લાખ રૂપિયાનું ઈનામ ઘોષિત કર્યું હતું. આ સફળતા પહલગામ હુમલાના 96 દિવસ બાદ મળી છે. જેમાં 26 નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો.

ઓપરેશન અંગે સેનાની ચિનાર કોર્પ્સે એક્સ ઉપર જાણકારી શેર કરી હતી. જેમાં કહ્યું હતું કે ગુપ્ત  સૂચનાના આધારે લિડવાસ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આતંકવાદી અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. કલાકો ચાલેલી અથડામણમાં અંતે ત્રણ આતંકવાદીને ઠાર કરવામાં આવ્યા છે.

મળતી વિગત પ્રમાણે એક ચીની સેટેલાઈટ ફોન 11 જુલાઈના રોજ બાઈસરનમાં સક્રિય થયો હતો. જેનાથી સેનાને સંકેત મળ્યો હતો. બાદમાં સેના,              જમ્મુ કાશ્મીર પોલીસ અને સીઆરપીએફએ સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. છેલ્લા બે અઠવાડિયાથી 24 આરઆર, કાશ્મીર પોલીસ અને સીઆરપીએફની ટીમ દાચીગામ ક્ષેત્રમાં આતંકીઓની તલાશમાં હતા. આ દરમિયાન 26 જુલાઈના રોજ કોમ્યુનિકેશન ડિવાઈસ ફરીથી સક્રિય થયું હતું. જેના પરિણામે લિડવાસ અને દાચીગામ જંગલમાં ઓપરેશન તેજ કરવામાં આવ્યું હતું.  ઓપરેશન માટે સેનાએ ડ્રોન, થર્મલ ઈમેજિંગ, ગુપ્તચર ઈનપુટથી હાસિમ મુસાનું લોકેશન ટ્રેક કર્યું હતું. સેનાએ 28 જુલાઈના સવારે જ આતંકવાદીઓને ઘેરી લીધા હતા.

બાદમાં 4 પેરાની ટીમે  જંગલમાં આતંકીઓનો ટેન્ટ જોયો હતો. જેમાં આતંકીઓ આરામ કરી રહ્યા હતા. સેનાએ તાકીદે આતંકીઓને  ઘેરી લીધા હતા. બાદમાં છ કલાક અથડામણ ચાલી હતી અને આતંકીઓના ખાત્મામાં સફળતા મળી હતી. કહેવાય છે કે માર્યા ગયેલા આતંકવાદીઓમાં હાશિમ મુસા ઉર્ફે સુલેમાન સામેલ છે જે પહલગામ અને સોનમર્ગ હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. તેણે પોતાની શકલ બદલવા માટે વજન ઘટાડયું હતું. તેમ છતા  સેનાએ તેને ઓળખી લીધો હતો જ્યારે અન્ય બે આતંકી યાસિર અને  હામઝા હોઇ શકે છે.

 

ઓપરેશનમાં સામેલ એજન્સી

24 રાષ્ટ્રીય રાઈફલ્સ : ભારતીય સેનાનું ખાસ એકમ છે. જે કાશ્મીરમાં આતંકવાદીઓના ખાત્મા માટે પ્રખ્યાત છે. 24 આરઆરની જાસૂસી અને ઘેરાબંધીનો કોઈ તોડ નથી.

4 પેરા : પેરાશૂટ રેજિમેન્ટની ખાસ ટીમ છે. જે છુપાઈને અચાનક હુમલો કરવામાં અને સટીક નિશાન લગાડવામાં કુશળ છે. 4 પેરાએ જ આતંકીઓને સુતા ઝડપ્યા હતા.

કાશ્મીર પોલીસ : સ્થાનિક પોલીસે વિસ્તારની જાણકારી અને ગુપ્તચર ઈનપુટ આપ્યા હતા, જે ઓપરેશનની  સફળતાની ચાવી બન્યા હતા.

સીઆરપીએફ : સીઆરપીએફએ વિસ્તારમાં સુરક્ષા અને સપોર્ટ આપ્યો હતો. જેથી ઓપરેશન કોઈપણ અડચણ વિના ચાલી શકે.

 

કોણ હતો હાસિમ મુસા ?

હાસિમ મુસાને સુલેમાન શાહ મુસા ફૌજી પણ કહેવાતો હતો. જે લશ્કર એ તૈયબાનો ખતરનાક આતંકવાદી હતો. હાસિમ મુસા પાકિસ્તાનના સ્પેશિયલ સર્વિસ ગ્રુપનો પેરા કમાન્ડો હતો. જે એક ખાસ ટ્રેનિંગ આપતું પાકિસ્તાની એકમ છે. મુસા 2022માં ભારતમાં ઘૂસણખોરી કરીને તૈયબામાં સામેલ થયો હતો અને ઘણા હુમલાની સાજિશ રચી હતી. પહલગામ હુમલાની પ્લાનિંગ અને હુમલો કરવામાં તેણે મોટી ભૂમિકા ભજવી હતી. તે બાઈસરન ઘાટીમાં 15 એપ્રિલથી હતોઅને સાત દિવસ જાસૂસી કરી હતી. સોનમર્ગ ટનલ હુમલામાં પણ મુસાએ નેતૃત્વ કર્યું હતું. જેમાં સાતના જીવ ગયા હતા. મુસા દાચીગામ અને લિડવાસના જંગલમાં છુપાયેલો હતો અને પાકિસ્તાન ભાગવાની તૈયારીમાં હતો.

ઇ-પેપરના નવા શુલ્ક