રાજુગીરી
પોતાની માગ અંગે કાલે કલેક્ટરને રૂબરૂ મળી લેખિતમાં રજૂઆત કરશે
જૂનાગઢ.
તા. 27: અનેક શિવભક્તોના આસ્થાનુ કેન્દ્ર સમાન પ્રાચીન ભવનાથ મંદિરના હાલના મહંત હરીગીરી
બાપુનો કાર્યકાળ આગામી 31 તારીખના રોજ પૂર્ણ થઈ રહ્યો હોય ત્યારે રાજુગીરી બાપુ દ્વારા
ચીમકી ઉચ્ચારાઈ છે કે જો હવે તેમના પરિવારમાંથી ભવનાથની ગાદી કોઈને નહીં અપાઈ તો તેઓ
ભવનાથ મંદિરના દરવાજાની સામે પોતાના પ્રાણનો ત્યાગ કરશે.
આ અંગેની
મળતી માહિતી મુજબ હાલ વડોદરા નજીક આવેલ કરજણ સ્થિત શનિદેવ અને કમલેશ્વર મહાદેવ મંદિરના
મહંત રાજુગીરી બાપુએ જણાવ્યું છે કે આગામી 31 તારીખના રોજ ભવનાથ મંદિરના હાલના મહંત
હરિગીરીબાપુનો કાર્યકાળ પૂર્ણ થઈ રહેલ છે, ત્યારે હવે તેમના પરિવારમાથી કોઈને ભવનાથ
માંદિરના મહંતનુ પદ નહીં અપાઈ તો તેઓ ભવનાથ મંદિરના દરવાજાની સામે પોતાના પ્રાણનો ત્યાગ
કરશે. તેઓએ જણાવ્યું હતુ કે કમલાનંદગીરી બાપુના તેઓ શિષ્ય છે અને તેમના ગુરુ વર્ષો
પૂર્વે ભવનાથ મંદિર સાથે જોડાયેલા હતા.
વધુમાં
તેઓએ જણાવ્યું હતું કે આગામી મંગળવારના રોજ તેઓ પોતે આ બાબતે લેખિતમાં જૂનાગઢ કલેક્ટર
અનિલ કુમાર રાણાવસિયાને રજૂઆત કરશે. ઉલ્લેખનીય છે કે કરજણ સ્થિત શનિદેવ અને કમલેશ્વર
મહાદેવ મંદિરના હાલના મહંત રાજુગીરી બાપુ શ્રીદશનામ જુના અખાડા સાથે જોડાયેલા છે.