• મંગળવાર, 23 જૂન, 2026

બલિનો બકરો ન બનો, જવાબદારીથી કામ કરો : એર ઈન્ડિયાને સરકારની ચેતવણી

કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય અને અધિકારીઓની એર ઈન્ડિયાના ચેરમેન સાથે થઈ મહત્ત્વની બેઠક

નવી દિલ્હી, તા. 27 : એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના બાદથી સતત સુરક્ષાને લઈને ચર્ચા ચાલી રહી છે. જેના ક્રમમાં કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય અને ટાટા સન્સ તેમજ એર ઈન્ડિયાના ચેરમેન એન ચંદ્રશેખરન વચ્ચે મેરેથોન મિટિંગ થઈ હતી. આ બેઠકમાં સરકાર તરફથી બે મહત્ત્વના સૂચન અપાયા હતા. જેમાં પહેલા સૂચનમાં કહેવાયું હતું કે એર ઈન્ડિયાના તમામ વિભાગ પોતાની જવાબદારી નિભાવે. બીજા સૂચનમાં કહેવાયું હતું કે બલીનો બકરો બનવાથી બચવામાં આવે.

બેઠકમાં કહેવાયું હતું કે સુરક્ષા સંબંધિત તમામ નિર્ણયો મહત્વના પદ ઉપર બેસેલા લોકો પોતે કરે અને કોઈ અન્યના ભરોસે નિર્ણય ન છોડે. આ ઉપરાંત ફલાઈટની તકેદારી અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે ગંભીરતા વિના કામ કરવાથી ચાલશે નહી. આ બેઠકમાં અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાની સાથે અન્ય નાની મોટી સમસ્યાઓ અંગે  વાતચીત કરવામાં આવી હતી.

બેઠકમાં કેન્દ્રીય મંત્રી રામમોહન નાયડૂ, સચિવ સમીર કુમાર સિન્હા અને ડીજીસીએ ચીફ ફૈઝ અહમદ કિદવઈએ એર ઈન્ડિયાના ચેરમેન સાથે મુલાકાત કરી હતી અને આ બેઠકમાં એર ઈન્ડિયાની સુરક્ષાને મજબૂત બનાવવા વાતચીત કરવામાં આવી હતી. એર ઈન્ડિયાના ચેરમેને બેઠકમાં  મળેલા સુચનોને લાગુ કરવા ઉપર સહમતિ વ્યક્ત કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક