• મંગળવાર, 23 જૂન, 2026

હરિદ્વારના મનસા દેવી મંદિરમાં ભાગદોડ : સાતનાં મૃત્યુ

શ્રાવણ મહિનામાં દર્શન માટે ભારે ભીડ અનિયંત્રિત બની

સીએમ ધામી દ્વારા ન્યાયિક તપાસનો આદેશ, પીડિતો માટે વળતરનું એલાન

હરિદ્વાર, તા. 27 : હરિદ્વારના મનસા દેવી મંદિરમાં શ્રાવણ મહિનામાં દર્શન માટે ભારે ભીડ ઉમટી હતી. આ દરમિયાન અચાનક ભાગદોડ મચી હતી અને તેમાં 7 લોકોએ જીવ ગુમાવ્યો છે તેમજ ઘણા શ્રદ્ધાળુઓને ઈજા પહોંચી છે. આ બનાવ મુદ્દે કડક વલણ અપનાવતા મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ન્યાયીક તપાસનો આદેશ આપ્યો છે તેમજ મૃતકોના પરિજનોને 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50-50 હજાર રૂપિયાની સહાયતા રાશિ આપવાનું એલાન કરાયું છે. પ્રશાસન દ્વારા ભાગદોડનું કારણ જાણવા માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

મળતી વિગત પ્રમાણે શ્રાવણ મહિના દરમિયાન રવિવારે હજારોની સંખ્યામાં ભાવિકો મનસા દેવી મંદિરે પહોંચ્યા હતા. કમિશનર વિજય શંકર પાંડેના કહેવા પ્રમાણે દુર્ઘટના મંદિર તરફ જતા માર્ગ સ્થિત બેરિકેડિંગ નજીક બની હતી. ભીડ ખુબ વધારે હતી અને તેને નિયંત્રણમાં રાખવા પર્યાપ્ત સુરક્ષા કર્મચારી હાજર નહોતા. જયારે એક તરફથી શ્રદ્ધાળુ આગળ વધવા લાગ્યા તો બીજી તરફથી પણ ભીડ ધક્કો મારવા લાગી હતી. આ દરમિયાન અમુક લોકો લપસીને પડી ગયા હતા. જેનાથી અફરાતફરી શરૂ થઈ હતી અને જોતજોતામાં ભાગદોડ મચી હતી અને સાત લોકોએ જીવ ગુમાવ્યો હતો.  બનાવ બાદ પ્રશાસન દ્વારા ઘાયલોને તાકીદે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ભાગદોડના કારણને જાણવા માટે તપાસ શરૂ કરી હતી. આ બનાવમાં મુખ્યમંત્રી તરફથી ન્યાયિક તપાસનો આદેશ અપાયો છે અને પીડિતો માટે વળતરનું એલાન થયું છે. વધુમાં ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થાની  સમીક્ષા કરવામાં આવી રહી છે.

બનાવ મુદ્દે ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામીએ દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે સોશિયલ મીડિયા એક્સ ઉપર પોસ્ટ મારફતે કહ્યું હતું કે હરિદ્વાર સ્થિત મનસા દેવી મંદિર માર્ગમાં ભાગદોડના સમાચાર દુ:ખદ છે. સ્થાનિક પોલીસ અને અન્ય બચાવ દળ સ્થળ ઉપર પહોંચીને રાહત તેમજ બચાવ કાર્ય કરી રહ્યા છે.તેઓ સતત સ્થાનિક પ્રશાસનના સંપર્કમાં છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક