• મંગળવાર, 23 જૂન, 2026

છેલ્લા 30 વર્ષમાં સૌથી વધારે વિખવાદ ભૂપેન્દ્રભાઇની સરકારમાં: રાહુલ ગાંધી

આણંદમાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખ સાથે આયોજિત પ્રશિક્ષણ શિબિરમાં ભાજપ પર સાધ્યું નિશાન

કોંગ્રેસ ગુજરાતમાં દૂધ સત્યાગ્રહ આંદોલન કરશે તો તેમાં રાહુલ ગાંધી પણ ભાગ લેશે

અમદાવાદ, તા.26 : આણંદ ખાતે કોંગ્રેસ દ્વારા સંગઠન સૃજન અભિયાન અંતર્ગત નિજાનંદ રિસોર્ટમાં વિશેષ પ્રશિક્ષણ શિબિર યોજાઈ હતી. જેમાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખો સાથે લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ મહત્વપૂર્ણ બેઠક યોજી સંવાદ કર્યો હતો. તેમણે ભાજપ સરકાર સંગઠન અને ચૂંટણી પંચ અંગે સ્પષ્ટ વલણ રજૂ કર્યું હતું.  એક દિવસીય ગુજરાત પ્રવાસે આવેલા રાહુલ ગાંધીએ જણાવ્યું તું કે, છેલ્લા 30 વર્ષના શાસનમાં ભુપેન્દ્ર પટેલની સરકારમાં સૌથી વધુ આંતરિક વિખવાદ જોવા મળ્યો છે. લોકો સરકાર પ્રત્યે ભારે રોષ ધરાવે છે. રાહુલ ગાંધીએ સ્પષ્ટ કહ્યું કે, જિલ્લા પ્રમુખો ગુજરાતમાં હવે પછી યોજાનારી દરેક ચૂંટણીમાં ટિકિટ વહેંચણીમાં જિલ્લા અને શહેર પ્રમુખની અગત્યની ભૂમિકા રહેશે. ઉમેદવાર અંગેની આખરી પસંદગીના નિર્ણયમાં પ્રદેશ કોંગ્રેસની સાથે જિલ્લા કે શહેર પ્રમુખની સહમતિ અનિવાર્ય રહેશે. દર મહિને જિલ્લા અને શહેર પ્રમુખના કાર્યોનું મૂલ્યાંકન થશે. દરેક વ્યક્તિના પરફોર્મન્સ થકી સંગઠનની સમીક્ષા કરવામાં આવશે.

ચૂંટણી પંચ અંગે કડક ટિપ્પણી કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે ચૂંટણી પંચની ભૂમિકા અમ્પાયરની હોવી જોઈએ પરંતુ તે દર વખતે કોંગ્રેસને ખોટી રીતે આઉટ કરે છે. તેમણે યાદ અપાવ્યું કે, 2017 ની ચૂંટણી દરમિયાન સુરતની બેઠકો પર જગલરી કરવામાં આવ્યું હતું.

મતદાર યાદી અંગે વિશે સાવચેતી રાખવા રાહુલ ગાંધીએ સૂચના આપી હતી. રાહુલ ગાંધીએ સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા પશુપાલકો સાથે પણ બેઠક કરી હતી. દૂધ ઉત્પાદક સંગોષ્ઠીમાં 170 પશુપાલકો સાથે રાહુલ ગાંધીએ સંવાદ કર્યો હતો અને રાજ્યમાં પશુપાલકો સાથે થતા અન્યાય મુદ્દે ચર્ચા કરી હતી.

દરમિયાન ગુજરાતમાં કોંગ્રેસના સૂત્રોમાંથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, કોંગ્રેસ દ્વારા શરૂ થનાર ‘દૂધ સત્યાગ્રહઆંદોલનનો પ્રારંભ સંભવત: 28 જુલાઈના રોજ આણંદથી થઇ શકે છે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક