• રવિવાર, 21 જુલાઈ, 2024

સ્મૃતિની સદી અને શોભનાની 4 વિકેટ

આફ્રિકા સામે વન ડેમાં ભારતનો 143 રને વિજય: ત્રણ મેચની શ્રેણીમાં ભારતીય મહિલા ટીમ 1-0થી આગળ 

બેંગ્લુરુ, તા.16: પ્લેયર ઓફ ધ મેચ સ્મૃતિ મંદાનાની સંગીન સદી અને બાદમાં ડેબ્યૂ મેચમાં શોભના આશાની 4 વિકેટની મદદથી દ. આફ્રિકા વિરુદ્ધના પ્રથમ વન ડેમાં ભારતીય મહિલા ટીમનો 143 રને સરળ વિજય થયો હતો. ભારતના પ0 ઓવરમાં 8 વિકેટે 26પ રનના જવાબમાં દ. આફ્રિકી મહિલા ટીમ 37.4 ઓવરમાં 122 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્રણ મેચની શ્રેણીમાં ભારતીય મહિલા ટીમ 1-0થી આગળ થઈ છે.

આફ્રિકા તરફથી સુને લૂસે સૌથી વધુ 33 રનની ઇનિંગ રમી હતી. મેરીજાન કેપ 24 રને આઉટ થઈ હતી જ્યારે સિનાલો જાફટા 27 રને નોટઆઉટ રહી હતી. ભારત તરફથી શોભના આશાની 21 રનમાં 4 વિકેટ રહી હતી. દીપ્તિ શર્માને 2 વિકેટ મળી હતી.

આ પહેલા સ્ટાર ઓપનિંગ બેટર સ્મૃતિ મંદાનાની કેરિયરની છઠ્ઠી સદીની મદદથી ભારતીય મહિલા ટીમના પ0 ઓવરમાં 8 વિકેટે 26પ રન થયા હતા. હોમ ગ્રાઉન્ડ પર સ્મૃતિની આ પહેલી સદી છે. તેણીએ 127 દડામાં 12 ચોક્કા અને 1 છક્કાની મદદથી આક્રમક 117 રનની ઇનિંગ રમી હતી. તેના બેટમાંથી બે વર્ષ પછી સદી નીકળી છે. આ સાથે જ સ્મૃતિ મંદાનાએ ઇન્ટરનેશનલ કેરિયરના 7000 રન પણ પૂરા કર્યા હતા. આ ઉપલબ્ધિ હાંસલ કરનારી તે મિતાલી રાજ પછીની બીજી ભારતીય મહિલા ક્રિકેટર બની છે. મિતાલીનાં નામે સૌથી વધુ 10,868 રન છે.

દ. આફ્રિકા સામે ભારતની 99 રનમાં પ વિકેટ પડી ગઈ હતી. આ પછી સ્મૃતિ મંધાનાના સાથમાં દીપ્તિ શર્માએ 81 રનને અને પૂજા વત્રાકરે પ8 રનની ભાગીદારી કરી હતી. દીપ્તિએ 37 અને પૂજાએ 31 રન કર્યા હતા. કપ્તાન હરમનપ્રિત 10, શેફાલી 7 અને જેમિમા 17 રને આઉટ થયા હતા. દ. આફ્રિકા તરફથી અયાબોંગા ખાકાએ 3 વિકેટ લીધી હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક