• બુધવાર, 01 મે, 2024

ગુજરાતનો 89 રનમાં ધબડકો : દિલ્હીનો ધસમસતો વિજય

-દિલ્હીએ વિજય લક્ષ્યાંક 8.5 ઓવરમાં હાંસલ કરી 2 પોઇન્ટ સાથે રન રેટ પણ સુધાર્યોં

 

અમદાવાદ તા.17: પહેલા બોલિંગથી બળૂકો દેખાવ કર્યાં બાદમાં આક્રમક બેટિંગ કરીને ગુજરાત ટાઇટન્સ સામેના આજના મેચમાં દિલ્હી કેપિટલ્સનો 6 વિકેટે ધસમસતો વિજય થયો હતો. દિલ્હી ટીમે 90 રનનો મામૂલી વિજય લક્ષ્યાંક ફકત 8.પ  ઓવરમાં 4 વિકેટ ગુમાવીને કરી લીધો હતો. આ જીતથી દિલ્હીએ મહત્વના બે અંક ગજવે કર્યાં હતા અને નેટ રન રેટમાં પણ ખાસ્સો એવો સુધારો કર્યોં હતો. દિલ્હીનો કપ્તાન પંત 16 રને અને સુમિત 9 રને નોટઆઉટ રહ્યો હતો. હોપે 19 રન કર્યાં હતા.

અગાઉ દિલ્હી કેપિટલ્સ વિરૂધ્ધ ગુજરાત ટાઇટન્સ ટીમનો તેના હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર 17.3 ઓવરમાં ફકત 89 રનમાં ધબડકો થયો હતો. દિલ્હી કેપિટલ્સની પેસ એન્ડ સ્પિન બોલિંગ સામે ગુજરાતના બેટધરો મોદી સ્ટેડિયમની ધીમી પિચ પર બિનજવાબદારી રીતે વિકેટો ગુમાવતા રહ્યા હતા. ગુજરાતના બેટધરો વચ્ચે પેવેલિયનમાં પાછા ફરવાની લાઇન લાગી હતી. આઠમા ક્રમના રાશિદ ખાને સૌથી વધુ 31 રન 24 દડામાં 2 ચોકકા-1 છકકાથી કર્યાં હતા. આઇપીએલની વર્તમાન સીઝનમાં હાલ ચોકકા-છકકાનો વરસાદ થઇ રહ્યો છે. ત્યારે ગુજરાતની ઇનિંગમાં ફકત 8 ચોકકા અને 1 છકકો જ લાગ્યા હતા. દિલ્હી તરફથી મુકેશ કુમારે 14 રનમાં 3 વિકેટ લીધી હતી. ઇશાંત શર્માએ 8 રનમાં 2 અને પાર્ટ ટાઇમ સ્પિનર ટ્રિસ્ટન સ્ટબ્સે 1 ઓવરમાં 11 રનમાં 2 વિકેટ લીધી હતી. આ બન્ને વિકેટ ઋષભ પંતના અદભૂત સ્ટમ્પીંગને લીધે મળી હતી.

ગુજરાતના માત્ર ત્રણ બેટધર જ બે આંકડે પહોંચી શકયા હતા. જેમાં સાઇ સુદર્શન (12), રાહુલ તેવતિયા (10) અને રાશિદ ખાન (31) સામેલ છે. કપ્તાન શુભમન ગિલ 2, રિધ્ધિમાન સાહા 8, ડેવિડ મિલર 2, શાહરૂખ ખાન ઝીરોમાં આઉટ થયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક