• શનિવાર, 27 એપ્રિલ, 2024

RCB અને KKR જીતનો ક્રમ જાળવી રાખવા માગશે

બન્ને ટીમને પાછલા મેચમાં જીત જરૂર મળી, પણ અપેક્ષાકૃત દેખાવથી દૂર

 

બેંગ્લુરુ, તા.28: પાછલા મેચની જીતથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકતા નાઇટ રાઇડર્સનો જુસ્સો જરૂર વધ્યો છે. જો કે આ બન્ને ટીમના દેખાવમાં પરિપકવતા જોવા મળી ન હતી. હવે શુક્રવારે આ બન્ને ટીમ જ્યારે આમને-સામને હશે ત્યારે અપેક્ષાકૃત દેખાવના લક્ષ્યાંક રાખશે. બેંગ્લુરુના કેપ્ટન ફાક ડૂ પ્લેસિસ તેની ટીમ પાસેથી સાતત્યસભર દેખાવ ઇચ્છી રહ્યો છે. તો કોલકતાનો કપ્તાન શ્રેયસ અય્યર ટોચના ક્રમના બેટધરો જવાબદારીથી રમે તેવું ઇચ્છી રહ્યો છે. બેંગ્લોરુએ તેના પાછલા મેચમાં પંજાબ કિંગ્સ સામે 4 વિકેટે જીત નોંધાવી હતી. જ્યારે કેકેઆરનો સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ 4 રને વિજય થયો હતો.

આરસીબીની સમસ્યા ટોપ ઓર્ડરના બેટર્સની નિષ્ફળતા છે. પંજાબ સામે 177 રનનો પીછો કરતા ફક્ત વિરાટ કોહલીના બેટમાંથી અર્ધસદી (77) નીકળી હતી. અંતમાં દિનેશ કાર્તિક અને ઇમ્પેકટ પ્લેયર મહિપાલ લોમલોર ફિનિશર બન્યા હતા. કપ્તાન પ્લેસિસ, મેક્સવેલ અને પાટીદાર આઉટ ઓફ ફોર્મ છે. પંજાબ સામેના મેચમાં મોહમ્મદ સિરાજ અને યશ દયાલે સારી બોલિંગ કરી હતી, પણ બાકીના બોલરોનો દેખાવ સાધારણ હતો. અલજારી જોસેફ હજુ સુધી કલીક થયો નથી.

બીજી તરફ કેકેઆરના મીડલ ઓર્ડરમાં કપ્તાન શ્રેયસ અય્યર, નીતિશ રાણા, વૈંકટેશ અય્યર જેવા બેટર છે. સુનીલ નારાયણ પીંચ હિટર છે પરંતુ આ ખેલાડીઓ હજુ સુધી ફોર્મ હાંસલ કરી શક્યા નથી. કેકેઆર માટે આંદ્રે રસેલ અને રિંકુ સિંહ સંકટમોચક બની રહે છે. દર વખતે આ બે ખેલાડી જીત અપાવી શકે નહીં, ટીમે સહિયારો દેખાવ કરવો પડશે. તો જ આરસીબીને તેના ઘરમાં માત આપી શકાશે. આઇપીએલનો સૌથી મોંઘો ખેલાડી મિચેલ સ્ટાર્ક પ્રભાવિત કરી શક્યો નથી. તેના પર સારા દબાણનું પ્રેશર બની રહેશે. આરસીબીને તેના સ્ટાર બેટર કિંગ કોહલી પાસેથી વધુ એક શાનદાર ઇનિંગની આશા રહેશે. ટોસ જીતનાર ટીમ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની પિચ પર રન લક્ષ્યાંકનો પીછો કરવાનું પસંદ કરશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક