• રવિવાર, 28 એપ્રિલ, 2024

ભારત-પાકિસ્તાન વચ્ચે શ્રેણી આયોજિત કરવા ઓસ્ટ્રેલિયા આતુર

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા ફરી એકવાર પ્રસ્તાવ

 

નવી દિલ્હી, તા.27: ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્રિપક્ષી શ્રેણી આયોજિત કરવા માટે ફરી એકવાર ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ) દ્વારા ઇચ્છા વ્યક્ત કરવામાં આવી છે. સીએનું કહેવું છે કે બીસીસીઆઇ અને પીસીબી વાટાઘાટ કરે અને ભારત-પાકિસ્તાનની ટીમ એક-બીજા સામે રમવા તૈયાર થાય તો ઓસ્ટ્રેલિયા યજમાની માટે તૈયાર છે. આ સમરમાં ભારત અને પાકિસ્તાનની ટીમ એકસાથે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હશે. પાકિસ્તાનની ટીમ ત્રણ મેચની વન ડે શ્રેણી અને ત્રણ મેચની ટી-20 શ્રેણી માટે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા પહોંચશે. આ શ્રેણી સમાપ્ત થયાના ચાર દિવસ બાદ 22 નવેમ્બરે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે પહેલો ટેસ્ટ મેચ પર્થમાં રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટીમ શ્રેણી રમવાની છે.

આ દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચે લીમીટેડ ઓવર્સની સિરીઝના આયોજન માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પ્રસ્તાવ મુકયો છે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે 2022ના ટી-20 વર્લ્ડ કપના ભારત-પાકિસ્તાન વચ્ચેના મુકાબલામાં મેલબોર્ન મેદાન પર વિક્રમી 90293 દર્શકો ઉપસ્થિત રહ્યા હતા. જો કે હાલની સ્થિતિમાં બન્ને દેશ વચ્ચે દ્રિપક્ષી શ્રેણી આયોજનની સંભાવના ઘણી ઓછી છે.

ઇ-પેપરના નવા શુલ્ક