• મંગળવાર, 03 નવેમ્બર, 2026

ICC વનડે રેન્કિંગમાં અફઘાનિસ્તાને શ્રીલંકા અને ઇંગ્લેન્ડને પાછળ છોડયા

ટોપ-10 રેન્કિંગના છઠ્ઠા સ્થાને પહોંચી અફઘાન ટીમ

નવી દિલ્હી, તા.2: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અફઘાનિસ્તાને સીમાચિહ્ન સર કર્યું છે. આઇસીસી મેન્સ વનડે ટીમ રેન્કિંગમાં અફઘાનિસ્તાને પૂર્વ વિશ્વ ચેમ્પિયન શ્રીલંકાને પાછળ છોડીને પ્રથમ વખત છઠ્ઠા સ્થાને પહોંચવાની સિદ્ધિ હાંસલ કરી છે. અફઘાન ટીમે 2009માં વનડે ડેબ્યૂ કર્યું હતું. હવે તેણે ક્રિકેટ જગતના દિગ્ગજો ગણાતા વેસ્ટ ઇન્ડિઝ, ઇંગ્લેન્ડ, બાંગ્લાદેશ અને હવે શ્રીલંકાને પછાડીને ટોપ-6માં પ્રવેશ કર્યો છે. અફઘાનિસ્તાનની આ પ્રગતિ પાછળ તેનું સાતત્યપૂર્ણ પ્રદર્શન રહ્યું છે.

2009થી અત્યાર સુધી રમાયેલી 191 વનડે મેચોમાંથી ટીમે 96 મેચો જીતીને 1.09નો વિન-લોસ રેશિયો જાળવી રાખ્યો છે. 2023ના વર્લ્ડકપમાં પાકિસ્તાન અને શ્રીલંકા જેવી મજબૂત ટીમોને હરાવીને મેળવેલો આત્મવિશ્વાસ 2024ના ટી20 વર્લ્ડકપમાં પણ જોવા મળ્યો હતો, જ્યાં ટીમ સેમિફાઇનલ સુધી પહોંચી હતી. છેલ્લા કેટલાક મહિનાઓમાં અફઘાન ટીમે શાનદાર પરિણામો મેળવ્યાં છે. આયર્લેન્ડ સામે 4-0થી શ્રેણી વિજય બાદ ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશ સામેની ટ્રાઇ-સિરીઝમાં પણ ટીમ અપરાજિત રહી હતી. આ ઉપરાંત તાજેતરમાં શારજાહ ખાતે ઝિમ્બાબ્વે સામે રમાયેલી ટી20 શ્રેણીમાં 3-0થી વ્હાઇટવોશ કર્યો હતો. હવે અફઘાનિસ્તાનની ટીમ ઝિમ્બાબ્વે સામે રમાનારી બે ટેસ્ટ મેચોની શ્રેણી માટે મેદાનમાં ઉતરશે.

ઇ-પેપરના નવા શુલ્ક