• મંગળવાર, 03 નવેમ્બર, 2026

યુરોપના સુપરમાર્કેટમાં અચાનક હેક થયા ફ્રીઝ

સાઇબર એટેક મારફતે ફ્રીઝની કૂલિંગ સિસ્ટમ સાથે ચેડા : તાપમાન 50 ડિગ્રીએ પહોંચાડયું

નવી દિલ્હી, તા. 2 : યુરોપના સુપરમાર્કેટમાં હવે સાઇબર એટેકરોએ ફ્રીઝ અને ફ્રીઝરને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. બેલ્જિયમ, લક્ઝમબર્ગ, સ્વીડનજ અને એસ્ટોનિયામાં ઘણા સ્ટોરની કૂલિંગ સિસ્ટમમાં અચાનક ગડબડ સામે આવી હતી. અમુક જગ્યાએ ફ્રીઝ અને ફ્રીઝરનું તાપમાન વધીને 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. કંપનીઓએ આ સ્થિતિને સાઈબર હુમલા સંબંધિત બનાવ ગણાવ્યો છે. આ પહેલા ફ્રાન્સમાં પણ આવો જ હુમલો થયો હતો, જ્યાં સેંકડો સુપરમાર્કેટની કૂલિંગ સિસ્ટમ ઉપર હેકર્સે કબજો કર્યો હતો.

સોમવારે બેલ્જિયમ અને લક્ઝમબર્ગમાં સુપરમાર્કેટ ચલાવતી કંપનીઓ અહોલ્ડ ડેલહાઇઝ અને કોલરૂઈટે કહ્યું હતું કે રાત્રે થયેલા એક આઇટી હુમલાથી ડઝનેક સ્ટોરના ફ્રીઝ અને ફ્રીઝર પ્રભાવિત થયા હતા. ડેલહાઇઝના પ્રવક્તા સારા મિસ્ટરે કહ્યું હતું કે કંપનીની કૂલિંગ સિસ્ટમમાં તાપમાન વધવાના બનાવની તપાસ થઈ રહી છે.

બેલ્જિયમની રેફ્રીઝરેશન કંપની સબકોબેલના સીઇઓ સ્ટિફન મોએલન્સે કહ્યું હતું કે, આ સાઇબર હુમલો હતો. હુમલાખોરોએ કૂલિંગ યુનિટના ઇવેપોરેટરને ડીફ્રોસ્ટ મોડમાં નાખ્યું હતું. જ્યારે કોલરૂઇટ ગ્રુપના પ્રવક્તાએ કહ્યું હતું કે, તેમના પાંચ સ્ટોરના ફ્રીઝ ઉપર હુમલો થયો છે. સ્વીડનમાં પણ ફ્રીઝનું તાપમાન 50 ડિગ્રીએ પહોંચી ગયું હતું. સ્વીડનની નેશનલ સાઇબર સિક્યોરિટી સેન્ટરના પ્રમુખ જોન બિલોવે કહ્યું હતું કે, સેન્ટરના પ્રોવિઝન સ્ટોરના રેફ્રીઝરેશન સંબંધિત મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

જો કે યુરોપમાં ફ્રીઝ ઉપર સાઇબર હુમલાનો આ કોઈ પહેલો બનાવ નથી. ગયા મહિને ફ્રાન્સમાં હેકર્સે સેંકડો સુપર માર્કેટની કૂલિંગ સિસ્ટમ ઉપર કબજો કર્યો હતો. પોલીસ અનુસાર હુમલાખોરોએ ફ્રીઝ અને ફ્રીઝરનું તાપમાન વધારીને 50 ડિગ્રી સેલ્સિયસે પહોંચાડી દીધું હતું. જેનાથી આગ લાગવા અને ફ્રીઝમાં રહેલી વસ્તુઓ ખરાબ થવાની ઘટના બની હતી.

ઇ-પેપરના નવા શુલ્ક