• મંગળવાર, 03 નવેમ્બર, 2026

અંધશ્રદ્ધામાં અંધ બનેલા પિતાએ 10 વર્ષના એકના એક પુત્રની કરી હત્યા

સાણંદના વીંછિયા ગામમાં માતાજીની દેરી પાસે પુત્રનું માથું પછાડી અને લાકડીના ઘા મારી મૃત્યુને ઘાટ ઉતાર્યો

અમદાવાદ, તા. 2: અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વીંછિયા ગામમાં અંધશ્રદ્ધાની ચોંકાવનારી ઘટનામાં પિતાએ પોતાના જ 10 વર્ષના એકના એક પુત્રની હત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે. માતાજીની દેરી પાસે પુત્રનું માથું પછાડી અને લાકડીના ઘા મારી તેની હત્યા કર્યા બાદ આરોપી પિતા લાશની બાજુમાં જ ખાટલામાં સૂઈ ગયો હતો. માતાની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ, નરેશ પટેલ તેની પત્ની ભારતીબહેન અને પુત્ર કરણ સાથે રહેતો હતો. દસેક દિવસ અગાઉ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં નરેશે ભારતીબહેનને માર માર્યો હતો. જેથી તેઓ પુત્રને પિતા પાસે મૂકીને પિયર જતા રહ્યા હતા. દરમિયાન 1 નવેમ્બરના રોજ પાડોશીએ ફોન કરીને કરણને નરેશે લાકડીથી માર માર્યો હોવાની જાણ કરી હતી. ભારતીબહેન પરિવારજનો સાથે ઘરે પહોંચ્યાં ત્યારે કરણ લોહીલુહાણ હાલતમાં ખાટલામાં મૃત પડયો હતો અને નરેશ બાજુમાં સૂતો હતો. પૂછપરછ દરમિયાન નરેશે કથિત રીતે જણાવ્યું હતું કે, તેના પિતા માતાજીના ભુવા હતા અને પોતે પણ ભૂવો બન્યો હતો. પોતાના પછી ઘરમાં કોઈ ભુવો ન બને તે માટે તેણે પુત્રની હત્યા કરી હતી. ઘટનાની જાણ થતાં સાણંદ પોલીસ અને એફએસએલની ટીમે સ્થળ પર તપાસ કરી પુરાવા એકત્ર કર્યા હતા. પોલીસે હત્યાનો ગુનો નોંધી નરેશની ધરપકડ કરી છે. આરોપીની માનસિક સ્થિતિની તપાસ માટે મનોચિકિત્સકની મદદ લેવામાં આવશે. ઘટનાસમયે ઘરમાં કોણ હાજર હતું તે સહિતના મુદ્દે પણ તપાસ ચાલી રહી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક