• મંગળવાર, 03 નવેમ્બર, 2026

શેર સડસડાટ, ક્રૂડ કડડભૂસ

બજારમાં દિવાળીની ઉજાણી : રિલાયન્સમાં 11 ટકાની તોતિંગ તેજીનાં જોરે સેન્સેક્સ અને નિફ્ટીમાં પાંચ માસની સૌથી મોટી તેજી : રોકાણકારોને 8 લાખ કરોડનો ફાયદો: ક્રૂડ ઓઈલ 7 ટકા તૂટયું

નવી દિલ્હી, તા.2: ભારતીય શેરબજારમાં દિવાળીના તહેવારના સપ્તાહની શરૂઆત તેજીની શાનદાર આતશબાજી સાથે થઈ હતી. આજે બજાર ખુલતાની સાથે જ દલાલ સ્ટ્રીટ પર ચારે તરફ ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો. કારોબારના અંતે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ)નો સેન્સેક્સ 1,233.25 પોઈન્ટ એટલે કે 1.66 ટકાના જોરદાર ઉછાળા સાથે 75,692.78 પર બંધ થયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)નો નિફ્ટી 387.70 પોઈન્ટ એટલે કે 1.68 ટકા વધીને 23,440.80ના સ્તરે પહોંચ્યો હતો. બીજી તરફ અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો પણ સામાન્ય મજબૂતી સાથે 94.90 પર બંધ થયો હતો. અગાઉ તે 94.95 પર બંધ થયો હતો. તો મધ્યપૂર્વમાં સ્થિતિમાં સુધારો જણાતાં આજે ક્રૂડ ઓઈલનાં ભાવમાં પણ આજે એક જ દિવસમાં 7 ટકાનો કડાકો બોલી ગયો હતો. એમસીએક્સ ઉપર 702 રૂપિયાનાં ઘટાડા સાથે તેનો ભાવ 9238ની સપાટીએ આવી ગયો હતો.

શેરબજારમાં આવેલી આ જોરદાર તેજીના કારણે સપ્તાહના પ્રથમ જ દિવસે રોકાણકારોને તોતિંગ ફાયદો થયો હતો. બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન આજે વધીને 4,82,41,458.47 કરોડ પર પહોંચી ગયું હતું. જ્યારે અગાઉના કારોબારી દિવસ એટલે કે શુક્રવારે તે 4,74,37,038.61 કરોડ હતું. એટલે કે એક જ દિવસના કારોબારમાં માર્કેટ કેમાં 8,04,419.86 કરોડનો મોટો વધારો થયો હતો. બજારની ભાષામાં કહીએ તો સોમવારની આ તેજીના કારણે રોકાણકારોએ એક જ દિવસમાં 8 લાખ કરોડથી વધુની કમાણી કરી હતી.

બંને મુખ્ય સૂચકાંકો આજે દોઢ ટકાથી વધુની વૃદ્ધિ સાથે બંધ થયા હતા. નિફ્ટીમાં 12 જૂન પછી એટલે કે લગભગ પાંચ મહિનાની સૌથી મોટી ઇન્ટ્રા-ડે તેજી જોવા મળી હતી. આ ઉછાળાના કારણે નિફ્ટી 23 સપ્ટેમ્બર પછીના સૌથી ઊંચા સ્તરે પહોંચ્યો હતો, જે છેલ્લા છ અઠવાડિયાનું ઉચ્ચતમ સ્તર છે. બેન્કિગ શેરોએ પણ આ તેજીમાં પૂરો સાથ આપ્યો હતો, જેના કારણે બેન્ક નિફ્ટી 55,000ની સપાટી પાર કરીને બંધ થવામાં સફળ રહ્યો હતો. આખા દિવસના કારોબારમાં લગભગ 2,668 શેરોમાં તેજી જોવા મળી હતી, જ્યારે 1,469 શેરોમાં ઘટાડો નોંધાયો હતો. 162 શેરોના ભાવમાં કોઈ ફેરફાર થયો નહોતો.

આ તેજીનું સૌથી મોટું યોગદાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરનું રહ્યું હતું. ત્રિમાસિક પરિણામો જાહેર થયા બાદ દેશની સૌથી વધુ મૂલ્ય ધરાવતી આ કંપનીના શેર ખરીદવા માટે રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અગાઉના કારોબારી સત્રમાં આ શેર 1,163.55 પર બંધ થયો હતો. સોમવારે બજાર ખુલતાની સાથે જ તેમાં 7 ટકાથી વધુનો ઉછાળો આવ્યો અને તે 1,227.40 પર ખુલ્યો હતો. શરૂઆતના કારોબારમાં જ શેરનો ભાવ 1,251.90 સુધી પહોંચી ગયો હતો. બજાર બંધ થવા સુધીમાં આ શેરમાં વધુ તેજી જોવા મળી હતી. અંતે રિલાયન્સનો શેર 11.60 ટકાના જોરદાર ઉછાળા સાથે 1,300 પર બંધ થયો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક