• મંગળવાર, 03 નવેમ્બર, 2026

ટ્રમ્પનાં ઘરથી 11 કિ.મી. દૂર પ્લેન ક્રેશ : નવનાં મૃત્યુ

પ્રાઇવેટ જેટ મિસાઇલની જેમ દક્ષિણ ફલોરિડાના રહેણાક વિસ્તાર નજીક તૂટયું : દુર્ઘટનાની તપાસ શરૂ

નવી દિલ્હી, તા. 2 : અમેરિકાના સાઉથ ફલોરિડામાં રવિવારે મોટી દુર્ઘટના બની હતી. જેમાં શહેરની વચ્ચે એક બિઝનેસ જેટ ક્રેશ થવાથી નવ લોકોનાં મૃત્યુ થયાં હતાં. જાણકારી અનુસાર નવ લોકોને લઈને જઈ રહેલું જેટ મિસાઇલની જેમ સીધું રહેણાક વિસ્તારમાં તૂટી પડયું હતું અને તરત જ આગના ગોળામાં તબદીલ થયું હતું. આ બનાવ જે સ્થળે બન્યો ત્યાંથી 11 કિમી દૂર જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ઘર આવેલું છે.

દુર્ઘટના પામ બીચ કાઉન્ટીના ક્રેસ્ટહેવન પાસે બની હતી. દુર્ઘટનામાં મૃત્યુઆંક વધવાની આશંકા હતી કારણ કે વિમાન આસપાસનાં મકાનો સાથે ટકરાતાં રહી ગયું હતું. ઓસ્ટિન બર્ગસ્ટ્રોમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના પ્રવક્તા જિમ રેનોલ્ડ્સે કહ્યું હતું કે, ક્રેશ થયેલું વિમાન એક પ્રાઇવેટ જેટ હતું. વિમાન ઓસ્ટિન, ટેક્સાસથી ઉડાન ભરીને બહામાસ તરફ જઈ રહ્યું હતું. જો કે રસ્તામાં જ દુર્ઘટના નડી હતી.

અમેરિકાના પરિવહન મંત્રી શોન ડફીએ વિમાનમાં સવાર નવ લોકોનાં મૃત્યુની પુષ્ટિ કરી હતી. બીજી તરફ એફએએ અને રાષ્ટ્રીય પરિવહન સુરક્ષા બોર્ડની ટીમો દુર્ઘટનાના કારણોની તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી હતી. બનાવનું સ્થળ માર એ લાગોની 11 કિમી દૂર છે. માર એ લાગો ડોનાલ્ડ ટ્રમ્પનું ઘર છે. બનાવ બન્યો તે દિવસે ટ્રમ્પ ઘરે જ હતા અને એક કલાક પહેલા એર ફોર્સ વનમાં સવાર થઈને નજીકના એરપોર્ટે  પહોંચ્યા હતા.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક