વહેલી સવારે લેંડફોલની પ્રક્રિયા : લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા : ભારે પવન સાથે વરસાદની આગાહી
નવી
દિલ્હી, તા. 2 : બંગાળની ખાડીમાં ચક્રવાત મુરાસુ ભીષણ ચક્રવાતી તોફાનમાં તબદીલ થઈ ચૂક્યું
છે. જેને ધ્યાને રાખીને ઓરિસ્સા સરકારે સંવેદનશીલ વિસ્તારથી લોકોને સુરક્ષિત સ્થળે
પહોંચાડવાની કામગીરી ઝડપી કરી છે. ચક્રવાતના પ્રભાવથી દક્ષિણ ઓરિસ્સામાં ભારે વરસાદ
થવાનું અનુમાન છે. ચક્રવાત આંધ્ર પ્રદેશના તટે ટકરાશે તેવું અનુમાન છે. ભારતીય હવામાન
વિભાગે પોતાના નવા બુલેટિનમાં કહ્યું છે કે ભીષણ ચક્રવાતી તોફાન મુરાસુ 25 કિલોમીટર
પ્રતિ કલાકની રફતારથી આગળ વધી રહ્યું છે.
વર્તમાન
સમયે ચક્રવાત મુરાસુ ચેન્નઈથી લગભગ 200 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વ, આંધ્ર પ્રદેશના નેલ્લોરથી
210 કિલોમીટર પૂર્વ-દક્ષિણપૂર્વ, મછલીપટ્ટનમથી 270 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં કેન્દ્રિત
હતું. બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે ચક્રવાત ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધીને સોમવાર
રાતથી મંગળવાર સવાર સુધીમાં ઓંગોલ નજીક, નેલ્લોર અને નરસાપુર વચ્ચે એક ભીષણ ચક્રવાતી
તોફાનનાં રૂપમાં દક્ષિણ આંધ્ર પ્રદેશના તટને પાર કરે તેવી પ્રબળ સંભાવના છે. આ દરમિયાન
હવાની ગતિ 100-110 કિમી પ્રતિકલાક રહી શકે છે. જે 120 કિમી પ્રતિકલાક સુધી પણ પહોંચી
શકે છે.
ચક્રવાતના
પ્રભાવથી ઓરિસ્સાના ઘણા વિસ્તારમાં હળવો વરસાદ શરૂ થયો છે અને ધીરે ધીરે વરસાદની તીવ્રતા
વધવાની શક્યતા છે. અધિકારીઓ અનુસાર હવામાન વિભાગની ચેતવણી બાદ સરકારે સંવેદનશીલ વિસ્તારમાંથી
લોકોને સુરક્ષિત સ્થળે પહેંચાડવાની કામગીરી શરૂ કરી છે. તમામ જિલ્લાના અધિકારીઓને સતર્ક
કરવામાં આવ્યા છે અને દક્ષિણી જિલ્લાને હાઇ એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે. આ દરમિયાન
હવામાન વિભાગે ચેન્નઈ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. શહેરની શાળાઓમાં સોમવારે રજા જાહેર
કરવામાં આવી હતી.