મુકેશ કુમારની 5 અને મોહમ્મદ સિરાજની 4 વિકેટ
નવી
દિલ્હી, તા.2: ભારત-એ અને ન્યૂઝીલેન્ડ-એ વચ્ચે રમાઈ રહેલી બીજી બિનસત્તાવાર ટેસ્ટના
ત્રીજા દિવસે ન્યૂઝીલેન્ડ એની પ્રથમ ઇનિંગ્સ
132.5 ઓવરમાં 424 રને સમેટાઈ ગઈ હતી. ભારતીય બાલિંગ આક્રમણ તરફથી ઝડપી બોલર મુકેશ કુમારે
5 વિકેટ ઝડપી હતી, જ્યારે મોહમ્મદ સિરાજે 4 બેટ્સમેનોને પેવેલિયન ભેગા કર્યા હતા.
ન્યૂઝીલેન્ડ
તરફથી મેથ્યૂ બોયલે સદી ફટકારી હતી જ્યારે ડીન ફોક્સક્રોફ્ટ સદી ચૂક્યો હતો. એક તબક્કે
કિવી ટીમે 291 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ નીચલા ક્રમના બેટ્સમેનોએ ભારતીય
બોલરોની આકરી કસોટી કરી હતી. છેલ્લા ત્રણ બેટ્સમેનોએ 133 રન જોડયા હતા. જેમાં ફ્રેઝર
શીટે 51 બોલમાં 40, જેરોડ મેકેએ 75 બોલમાં 33 અને જાયડન લેનોક્સે 97 બોલ રમી અણનમ
32 રન બનાવી સ્કોર 424 સુધી પહોંચાડ્યો હતો.
પ્રથમ
ઇનિંગ્સના આધારે પાછળ રહ્યા બાદ બીજી ઇનિંગ્સમાં ભારત એના ઓપનરોએ મક્કમ શરૂઆત કરી છે.
દિવસના અંત સુધીમાં ભારતે વિના વિકેટે 32 રન નોંધાવી લીધા છે. પ્રથમ દાવમાં ખાતું ખોલવામાં
નિષ્ફળ રહેલા યશસ્વી જયસ્વાલે 38 બોલમાં 20 રન બનાવ્યા છે. સામે છેડે સાઈ સુદર્શને
28 બોલમાં 11 રન જોડયા છે. કિવી બોલરો બ્રેટ રેન્ડેલ અને ક્રિસ્ટિયન ક્લાર્કે દબાણ
ઊભું કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય જોડીએ કોઈ નુકસાન થવા દીધું નહોતું. ભારત
એ હજુ પણ 46 રન પાછળ છે.