• સોમવાર, 02 નવેમ્બર, 2026

WBBL: સિડની થંડરનો બ્રિસ્બેન હીટ સામે 6 વિકેટે આસાન વિજય

-હીથર નાઇટના 54 અને લૌરા હેરિસના 35 રનની  મદદથી સિડની થંડરે 179 રનનો ટાર્ગેટ સર કર્યો

સિડની, તા.1 : સિડનીના ડ્રમોયન ઓવલ ખાતે રવિવારે રમાયેલા મહિલા બિગ બેશ લીગ મુકાબલામાં સિડની થંડરે બ્રિસ્બેન હીટને 6 વિકેટે કચડી નાખ્યું હતું. ઇંગ્લેન્ડની પૂર્વ કેપ્ટન હીથર નાઇટની અણનમ 54 રનની ઇનિંગ્સ અને લૌરા હેરિસના માત્ર 16 બોલમાં 35 રનની તોફાની બાટિંગના દમ પર સિડની થંડરે 179 રનનો ટાર્ગેટ 20 બોલ બાકી રહેતાં જ સર કરી લીધો હતો. 

179 રનનો પીછો કરવા ઉતરેલી થંડર ટીમ માટે ફોબી લિચફિલ્ડે પાવરપ્લેમાં માત્ર 19 બોલમાં 41 રન ફટકારી આક્રમક શરૂઆત અપાવી હતી. લિચફિલ્ડ બાદ હીથર નાઇટ અને અનિકા લિરોયડે (37 રન) ત્રીજી વિકેટ માટે 63 રનની ભાગીદારી કરીને રનરેટ જાળવી રાખ્યો હતો. નાઇટે માત્ર 27 બોલમાં સળંગ ચોગ્ગા મારી પોતાની અર્ધસદી પૂરી કરી હતી. લૌરા હેરિસે પણ ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી મેચને એકતરફી બનાવી દીધી હતી. અંતે નાદિન ડી ક્લાર્કે ચોગ્ગો ફટકારી ટીમને વિજય અપાવ્યો હતો. આ અગાઉ ટોસ જીતીને બાટિંગ કરતા બ્રિસ્બેન હીટે ગ્રેસ હેરિસ (32 બોલમાં અર્ધસદી) અને જ્યોર્જિયા રેડમેઇનની અડધી સદી તથા ઓર્લા પ્રેન્ડરગાસ્ટના ઝડપી 28 રનની મદદથી 20 ઓવરમાં 5 વિકેટે 178 રન બનાવ્યા હતા. થંડરના બોલરોએ ડેથ ઓવર્સમાં કંટ્રોલ મેળવી હીટને મોટો સ્કોર બનાવતાં રોકી રાખ્યું હતું, જે બાદમાં થંડર માટે આસાન સાબિત થયું.

 

ઇ-પેપરના નવા શુલ્ક