• મંગળવાર, 03 નવેમ્બર, 2026

દારૂ પીવાયો, પકડાયો, પણ આવ્યો ક્યાંથી ? સરાઝા શરાબ પ્રકરણનો વીંટલો વળી જશે?

સામાન્ય આરોપીઓ ઉપર શૂરી પોલીસ અહી પોતાની રણનીતિમાં અસ્પષ્ટ

(ફૂલછાબ ન્યુઝ)

રાજકોટ,તા.2: રાજકોટના પોશ કાલાવડ રોડ પર આવેલી સરાઝા હોટેલમાં બર્થડે સેલિબ્રેશનના નામે યોજાયેલી હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ થયાના 48 કલાક બાદ પણ પોલીસની તપાસ અનેક સવાલોના જવાબ આપી શકી નથી. 71 નબીરાઓ ઝડપાયા, જામીન પર છૂટયા, પરંતુ પાર્ટીમાં દારૂ ક્યાંથી આવ્યો તેનો ભેદ હજુ અકબંધ છે. હોટેલના મેનેજર અને સ્ટાફ સામે ગુનો નોંધાયો, પરંતુ માલિકો સામે કાર્યવાહીનું શું? એક પણ લક્ઝરી કાર જપ્ત ન થતાં પોલીસની કામગીરી પણ સવાલોના ઘેરામાં આવી છે. હવે સવાલ એ છે કે કાયદાની પકડ માત્ર પાર્ટીમાં હાજર લોકો અને સ્ટાફ પૂરતી જ રહેશે કે પછી દારૂના સ્ત્રોતથી લઈને હોટેલના માલિકો સુધી તપાસનો રેલો પહોંચશે?

માલેતુજાર ડેકોર બિલ્ડરના પુત્રની પાર્ટીમાં રાજકોટ, મોરબી, અમદાવાદ, હરિયાણા સહિતનાં ઉદ્યોગપતિઓ અને બિલ્ડરોની હાજરીમાં યોજાયેલી આ પાર્ટીની ગંધ સ્થાનિક પોલીસને ન આવી, પરંતુ એલ.સી.બી. ઝોન-2એ દરોડો પાડી 33 મહિલાઓ અને 38 પુરુષો સહિત 71 લોકોને ઝડપી લીધા હતા. દરોડા બાદ ઝડપાયેલા નબીરાઓને બચાવવા રાજકારણીઓ અને ધારાસભ્યો મેદાનમાં ઉતર્યા હોવાની ચર્ચા છે. લાગતા-વળગતા તંત્રને ફોન કરી ભીનું સંકેલવાના પ્રયાસો થયાની સાથે જ રૂ.8 કરોડમાં સોદેબાજી થઈ હોવાની ચર્ચાએ પણ જોર

પકડયું છે.

દારૂનો સ્ત્રોત શોધવામાં પોલીસના હાથ ટૂંકા પડયા!

સામાન્ય માણસ દારૂ પીધેલી હાલતમાં ઝડપાય તો પોલીસ તેની પાસેથી દારૂ ક્યાંથી આવ્યો તેની માહિતી કઢાવી લે છે, પરંતુ સરાઝા હોટેલમાં માલેતુજારોની હાઈપ્રોફાઈલ પાર્ટીમાં પીરસાયેલો શરાબ ક્યાંથી આવ્યો તે શોધવામાં પોલીસ હજુ ફાંફા મારી રહી છે. નબીરાઓની પાર્ટીનો દારૂ કોણે પૂરો પાડયો તે મોટો સવાલ છે.

તાલુકા પોલીસ મથકે પી.આઈ અને પત્રકારો સામસામે !

સરાઝા હોટેલમાં દારૂ પાર્ટી પર દરોડા બાદ હોટેલથી માત્ર 500 મીટર દૂર આવેલી તાલુકા પોલીસ ચોકીએ કવરેજ કરવા પહોંચેલા મીડિયા પ્રતિનિધિઓ સાથે ઘર્ષણ સર્જાયું હતું. ફરજ પરના પી.આઈ. એસ.આર. મેઘાણી ચેમ્બરમાંથી બહાર આવી પત્રકારોને કવરેજ કરતા રોક્યા હતા. એટલું જ નહીં, એક પત્રકારનો કાંઠલો પકડી બહાર કાઢતી વખતે ફડાકો ઝીંકી દેતા મીડિયા જગતમાં ભારે રોષ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં અન્ય મીડિયા કર્મચારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. પરિણામે તાલુકા પોલીસ મથકમાં પોલીસ અને પત્રકારો સામસામે આવી ગયા હતા.

મોંઘીદાટ શરાબની બોટલો ક્યાં ગઈ? મુદ્દામાલ માત્ર રૂ.17 હજાર !

સરાઝા હોટેલમાં દરોડા દરમિયાન પોલીસે મોંઘીદાટ દારૂની બોટલો, હુક્કા, સોડાની બોટલો, શરાબ ભરેલા ગ્લાસ સહિતની અનેક વસ્તુઓ કબજે કરી હતી. કાળા રંગની થારમાં કોથળા ભરીને મુદ્દામાલ લઈ જવાતો હોવાની તસવીરો પણ વાઈરલ થઈ હતી. જોકે, બીજા દિવસે વહેલી સવારે તાલુકા પોલીસે ગુનો નોંધ્યો ત્યારે જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત માત્ર રૂ.17 હજાર દર્શાવવામાં આવી હતી. દરોડા વખતે દેખાડવામાં આવેલા જંગી મુદ્દામાલ સામે નોંધાયેલી આ નજીવી કિંમત અનેક સવાલો ઊભા કરે છે. આખરે મોંઘીદાટ બોટલો અને અન્ય સામાનનો હિસાબ ક્યાં ગયો? પોલીસની જપ્તી અને મુદ્દામાલના મૂલ્યાંકન સામે હવે શંકાની સોય તકાઈ રહી છે.

નબીરાઓની લક્ઝરી કારને કેમ મળી છૂટ?

સામાન્ય માણસ દારૂ સાથે ઝડપાય તો દારૂની કિંમત કરતાં મોંઘી કાર પોલીસ કબજે કરી કોર્ટના ધક્કા ખવડાવે છે, પરંતુ સરાઝા હોટેલની હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીમાં પહોંચેલા માલેતુજારોની લક્ઝરી કાર સામે પોલીસની કાર્યવાહી ક્યાં ગઈ? જો દારૂની હેરફેરમાં કારનો ઉપયોગ થયો હોય તો તેને પણ મુદ્દામાલ તરીકે કબજે કરી શકાય, છતાં પોલીસ ફરિયાદમાં એક પણ કારનો ઉલ્લેખ નથી. સામાન્ય માણસ માટે અલગ કાયદો અને નબીરાઓ માટે અલગ માપદંડ છે કે શું?

ફક્ત કર્મચારી સામે ગુનો હોટેલ બચાવી લેવાઈ ?

પરમિટ વગર એક બોટલ દારૂ મળે તો વ્યક્તિ સામે ગુનો નોંધાય છે, તો સરાઝા હોટેલમાં 38 લોકો દારૂની પાર્ટી કરતા ઝડપાયા છતાં હોટેલનું લાઇસન્સ ચકાસી સીલ કરવાની કાર્યવાહી કેમ ન થઈ? માત્ર કર્મચારીઓ સામે ગુનો નોંધી હોટેલના માલિકોને છાવરી લેવાયા કે શું? પોલીસની કાર્યવાહી સામે વધુ એક સવાલો ઉઠયો છે.

પોલીસ પોતાની રણ નીતિમાં અસ્પસ્ટ

ડેકોરા બિલ્ડરની હાઈપ્રોફાઈલ પાર્ટી પર સ્થાનિક તાલુકા પોલીસને જાણ સુદ્ધાં ન થઈ અને એલ.સી.બી. ઝોન-2એ દરોડો પાડયો હતો. જેના પગલે સ્થાનિક પી.આઈ. સહિતના સ્ટાફની કામગીરી સામે સવાલો ઊઠયા હતા. દરોડા બાદ તપાસ માલવિયા પોલીસ મથકના પી.આઈ. જે.એમ. કૈલાને સોંપાઈ હતી, પરંતુ તપાસની દિશા અને આગળની કાર્યવાહી અંગે સ્પષ્ટતા કરવાને બદલે તેમણે મીડિયાના ફોન ટાળતાં અનેક સવાલો વધુ ઘેરા બન્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક