ગ્લેન ફિલિપ્સેના માત્ર 49 બોલમાં 107 રન, ડફીની ચાર વિકેટ: સંજુ, ઈશાન, અક્ષર સહિતના ખેલાડી બે આંકડે પણ ન પહોંચ્યા
ઓકલેન્ડ,
તા.30 : ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામેની ચોથી ટી20 મેચમાં 87 રને હારનો સામનો કરવો
પડ્યો છે. આંતરરાષ્ટ્રીય ટી20 ફોર્મેટમાં કીવી ટીમ સામે રનના તફાવતની દૃષ્ટિએ આ ભારતનો
અત્યાર સુધીનો સૌથી મોટો પરાજય સાબિત થયો છે. આ પૂર્વે 2019માં વાલિંગ્ટન ખાતે ભારતીય
ટીમ ન્યૂઝીલેન્ડ સામે 80 રને પરાજિત થઈ હતી. આ સાથે ક્લીન સ્વીપ કરવાની ભારતની આશાઓ
પર પણ પાણી ફરી વળ્યું છે.
શુક્રવારે
ઓકલેન્ડ ખાતે રમાયેલા મુકાબલામાં 260 રનના પહાડ જેવા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી
ભારતીય ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી માત્ર 172 રન જ બનાવી શકી હતી. ભારતીય ઇનિંગ્સમાં
એકપણ બેટર અડધી સદી નોંધાવી શક્યો નહોતો. તિલક વર્માએ સૌથી વધુ 35 રનનું યોગદાન આપ્યું
હતું. ન્યૂઝીલેન્ડ તરફથી જેકબ ડફીએ 4 વિકેટ ઝડપી ભારતીય બાટિંગ લાઇન-અપની કમર તોડી
નાખી હતી.
આ
અગાઉ ન્યૂઝીલેન્ડે ટી20 ઇન્ટરનેશનલમાં પોતાનો સર્વોચ્ચ સ્કોર ખડકી નવો ઇતિહાસ રચ્યો
હતો. ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 7 વિકેટના ભોગે 259 રનનો સ્કોર બનાવ્યો હતો. કીવી ટીમ
વતી ગ્લેન ફિલિપ્સે તોફાની બાટિંગ કરતાં માત્ર 49 બોલમાં 107 રનની વિસ્ફોટક સદી ફટકારી
હતી, જ્યારે માઇકલ બ્રેસવેલે માત્ર 25 બોલમાં 65 રનની આક્રમક અડધી સદી ફટકારી ભારતીય
બાલિંગ આક્રમણને વેરવિખેર કરી નાખ્યું હતું. ન્યૂઝીલેન્ડની આ જીત સાથે શ્રેણી 3-1 થઈ
છે. હવે છેલ્લી મેચ રમવાની બાકી છે.