• શનિવાર, 31 ઑક્ટોબર, 2026

ભાવનગરમાં ખનીજ માફિયાને અધિકારીઓની બાતમી આપતું વોટ્સએપ ગ્રુપ ઝડપાયું

અધિકારીઓની રેકી કરતા બે શખસ પકડાયા : ગ્રુપના સભ્યો પાસેથી દર મહિને રૂ.1,000 વસૂલતા હોવાનો ખુલાસો

ભાવનગર, તા.30 : ભાવનગર જિલ્લામાં ગેરકાયદે ખનન અને ખનિજની હેરાફેરી કરતા તત્ત્વોને સરકારી તપાસથી બચાવવા અધિકારીઓની હિલચાલની બાતમી આપતું વોટ્સએપ ગ્રુપ ચાલતું હોવાનો પર્દાફાશ થયો છે. આ મામલે ગ્રામ્ય મામલતદાર અને પ્રાંત અધિકારીનો ચાર્જ સંભાળતા એમ.ડી. પરમારે નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ગત 26 ઓક્ટોબરે જૂની કલેક્ટર કચેરીના દરવાજા પાસે મોટરસાઇકલ પર શંકાસ્પદ રીતે વોચ રાખતા ભગીરથાસિંહ નરેન્દ્રાસિંહ વાળા અને રોહિતભાઈ અભુભાઈ રાઠોડની પોલીસે પૂછપરછ કરી હતી. જેમાં ભગીરથાસિંહે ‘જય રામાધણી’ નામનું વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હોવાનું કબૂલ્યું હતું.

ગ્રુપમાં ખનિજ માફિયાઓને અધિકારીઓની અવરજવર અંગે ઓડિયો મેસેજથી અગાઉથી જાણ કરાતી હતી. આ કામગીરીના બદલામાં સભ્યો પાસેથી દર મહિને રૂ.1,000 વસૂલવામાં આવતા હોવાનો પણ ખુલાસો થયો છે. પોલીસે બન્ને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક