બોનસ સાથે સૌરાષ્ટ્રને 7 પોઇન્ટ મળ્યાં
રાજકોટ,
તા.29 : રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાયેલા રણજી ટ્રોફી એલિટ ગ્રુપ મુકાબલામાં
ટીમ સૌરાષ્ટ્રે આસામને એક ઇનિંગ્સ અને 12 રને પરાજય આપ્યો છે. બોનસ પોઇન્ટ સાથે મેળવેલી
આ ભવ્ય જીતના દમ પર સૌરાષ્ટ્રને કુલ 7 પોઇન્ટ મળ્યાં છે.
મેચના
ચોથા દિવસે આસામે પોતાની બીજી ઇનિંગ્સ આગલા દિવસના 65 રને 7 વિકેટના સ્કોરથી આગળ ધપાવી
હતી. જોકે, સૌરાષ્ટ્રના સ્પિન આક્રમણ સામે આસામની ટીમ માત્ર 94 રનમાં જ ધ્વસ્ત થઈ ગઈ
હતી. ડાબોડી સ્પિનર પાર્થ ભૂતે 18 ઓવરમાં 10 મેડન ફેંકી માત્ર 17 રન આપી 8 વિકેટ ઝડપી
હતી. અનુભવી ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ 22 ઓવરમાં 58 રન આપી 2 વિકેટ ખેરવી હતી.
અગાઉ
આસામના પ્રથમ દાવના 281 રનના જવાબમાં સૌરાષ્ટ્રે હેત્વિક કોટક (80 રન), પ્રેરક માંકડ
(76 રન) અને અર્થ યાદવ (અણનમ 46 રન)ના જોરે 387 રનનો મજબૂત સ્કોર ખડકીને 106 રનની મહત્ત્વની
સરસાઈ હાંસલ કરી હતી. મેચમાં પ્રથમ ઇનિંગ્સમાં 2 અને બીજી ઇનિંગ્સમાં 8 મળીને કુલ
10 વિકેટ ખેરવનાર પાર્થ ભૂતને તેના મેચ-વાનિંગ પ્રદર્શન બદલ ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર
કરવામાં આવ્યો હતો. સંપૂર્ણ મેચ દરમિયાન સૌરાષ્ટ્રનું આધિપત્ય સ્પષ્ટપણે જોવા મળ્યું
હતું.