અમેરિકી અધિકારીઓએ કહ્યું, સેનાને ટ્રમ્પના આદેશની રાહ
નવી દિલ્હી, તા. 29 : મધ્ય પૂર્વમાં
ચાલી રહેલો ગતિરોધ ખતમ થવાનું નામ લઈ રહ્યો નથી. બે અમેરિકી અધિકારીઓના હવાલાથી સામે
આવેલા રિપોર્ટ પ્રમાણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આદેશ મળવાના 96 કલાકની અંદર મિડલ
ઇસ્ટમાં તૈનાત અમેરિકી સેનાઓ ઈરાન ઉપર મોટો હુમલો કરી શકે છે. જો કે ટ્રમ્પે આ મામલે
કોઈ અંતિમ નિર્ણય કર્યો નથી. અધિકારીઓએ કહ્યું હતું અમેરિકા સૈન્ય અભિયાન શરૂ કરવા
તૈયાર છે.
રિપોર્ટ અનુસાર બે અમેરિકી અધિકારીઓએ
કહ્યું હતું કે, મીડિલ ઈસ્ટમાં તૈનાત અમેરિકી સેના પૂરી રીતે તૈયાર છે અને અમેરિકી
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આદેશ જરૂરી છે. ટ્રમ્પનો આદેશ મળતા જ 96 કલાકમાં ઈરાન
સામે મોટું સૈન્ય અભિયાન શરૂ કરવામાં આવી શકે છે. જો કે ટ્રમ્પે નવો હુમલો કરવો કે
નહીં તે અંગે હજી સુધી કોઈ નિર્ણય કર્યો નથી.
સૈન્ય અધિકારીઓ એવા અભિયાનની
તૈયારી કરી રહી છે જે ઈરાનના રડાર, મિસાઇલ લોન્ચર અને અન્ય સૈન્ય સરંજામને ખતમ કરી
શકે છે. અધિકારીઓએ કહ્યું હતું કે, અભાયનમાં ઈરાનના ઊર્જા પ્લાન્ટ, સૈન્ય બેઝ અને પરમાણુ
સુવિધાઓ પણ સામેલ છે.