• શનિવાર, 31 ઑક્ટોબર, 2026

કોડિનારની બે સગીરાનું ધર્મપરિવર્તન : SITની રચના

મીરા દાતાર દરગાહમાંથી બુરખાધારી હાલતમાં મળી આવી હતી બન્ને સગીરા : મૌલવી સહિત ત્રણ આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ, દરગાહ ટ્રસ્ટે આક્ષેપો ફગાવ્યા

કોડિનાર, તા.30 : ગીર સોમનાથના કોડીનારમાંથી ગુમ થયેલી બે સગીરા છેક મહેસાણાના ઉનાવા સ્થિત મીરા દાતાર દરગાહમાંથી મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સગીરાઓને બુરખો પહેરાવી ઓળખ બદલવા, ધર્મપરિવર્તન કરાવવા અને એક સગીરાના લગ્ન કરાવવાના પ્રયાસે આ મામલાને વધુ ગંભીર બનાવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવેલી વિગતોના આધારે મૌલવી સહિત ચાર શખસ સામે ગુનો નોંધાયો છે, જેમાંથી ત્રણની ધરપકડ કરવામાં આવી છે. કોડીનાર કોર્ટે ત્રણેય આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રાજ્ય સરકારે પણ ઘટનાની ગંભીર નોંધ લઈને તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે. સીટની રચના બાદ હવે આ પ્રકરણની તપાસ વધુ વ્યાપક બનવાની શક્યતા છે.

કોડિનારમાંથી બે સગીરાઓ ગુમ થયા અંગે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. આસપાસના વિસ્તારોનાં સીસીટીવી ફૂટેજ તપાસતાં બન્ને સગીરાઓનું લોકેશન મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાનાં ઉનાવા ગામ તરફ હોવાનું જાણવા મળ્યું હતું. કોડીનાર પોલીસની ટીમ સ્થાનિક પોલીસની મદદથી ઉનાવા પહોંચી હતી અને મીરા દાતાર દરગાહમાંથી બન્ને સગીરાને શોધી કાઢી હતી. બન્ને બુરખો પહેરેલી હાલતમાં મળી આવતાં પોલીસે તેમનો કબજો મેળવી કોડીનાર પરત લાવી મહિલા પોલીસ દ્વારા કાઉન્સાલિંગ અને પૂછપરછ હાથ ધરી હતી. સગીરાઓની પૂછપરછ દરમિયાન સામે આવેલી વિગતો મુજબ, તેમને કોડીનારથી ઉનાવા લઈ જવામાં આવી હતી. એક સગીરાની બહેનપણીનું નામ બદલીને ‘કાજી નાયરા’ રાખવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. બન્નેને આશરે ત્રણ દિવસ સુધી દરગાહમાં રાખવામાં આવી હતી. આ ઘટનાને લગતો આશરે છ મિનિટનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ધોરણ-8માં અભ્યાસ કરતી એક સગીરા આરએસએસના આગેવાન જીજ્ઞેશ પરમાર સમક્ષ સમગ્ર ઘટનાની વિગતો જણાવતી જોવા મળે છે.

સગીરાના આક્ષેપ મુજબ, ઉનાવા રેલવે સ્ટેશન પરથી એક યુવક રિક્ષામાં બન્નેને મીરા દાતાર દરગાહ લઈ ગયો હતો. ત્યાં દિવસ દરમિયાન દરગાહમાં બેસવાનું અને સાંજે બહાર રહેવાનું કહેવામાં આવ્યું હતું. ધોરાજીના નિસાદ કાજીએ બન્નેના મોબાઇલમાંથી સીમકાર્ડ કાઢીને તોડી નાખ્યા હોવાનો પણ આક્ષેપ છે, જેથી પરિવારજનો અને પોલીસ તેમનું લોકેશન શોધી ન શકે. આ ઉપરાંત, નામ બદલવા અને એક યુવક સાથે લગ્ન કરીને ત્યાં જ રહેવા માટે કહેવામાં આવ્યું હોવાનો પણ સગીરાએ દાવો કર્યો છે.

બીજી તરફ, વિવાદમાં મીરા દાતાર દરગાહનું નામ સામે આવતાં ટ્રસ્ટી હર્ષદ સુખડીયાએ જણાવ્યું હતું કે આસિફ કોણ છે તેની દરગાહના લોકોને જાણકારી નથી અને દરગાહમાં આજ સુધી ધર્મપરિવર્તનની કોઈ ઘટના બની નથી. મૌલાના અકીલે દરગાહને હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતીક ગણાવી જણાવ્યું હતું કે અહીં તમામ ધર્મના લોકો શ્રદ્ધા સાથે આવે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક