• મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2026

ભારતીય ટીમે ફરીથી PCB વડા પાસેથી ટ્રોફી ન લીધી

ચાહકોએ નકવીને ચોર કહ્યા : મોહસિન નકવીના હસ્તે ટ્રોફી સ્વીકારવાનો મેચ પહેલા જ ઇનકાર કરી દેવાયો હતો

નવી દિલ્હી, તા.14 : દુબઈમાં રવિવારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને 72 રનથી હરાવીને રેકોર્ડ આઠમી વખત મહિલા એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. મેદાન પર ભારતીય ખેલાડીઓની જીતની ઉજવણી ચાલી રહી હતી, ત્યારે ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન મોહસિન નકવીના હાથેથી ટ્રોફી લેવાનો ઈન્કાર કરી દીધો હતો.

ફાઈનલ મેચ બાદ સ્ટેડિયમમાં પુરસ્કાર સમારોહ માટે મંચ તૈયાર કરવામાં આવ્યો હતો. નકવી સહિત એસીસીના અધિકારીઓ મંચ પર ઉપસ્થિત હતા. નકવીએ રનર-અપ શ્રીલંકન ટીમની કેપ્ટન ચમારી અટાપટ્ટુને રનર-અપનો ચેક એનાયત કર્યો હતો. અટાપટ્ટુ ચેક લઈને મંચ પરથી પરત ફરી હતી. ત્યારબાદ ભારતને ટ્રોફી સોંપવાની હતી, પરંતુ ટ્રોફી આપ્યા વિના જ સમારોહ પૂર્ણ કરી દેવામાં આવ્યો હતો. આવું જ દૃશ્ય પુરુષ એશિયા કપ દરમિયાન પણ જોવા મળ્યું હતું. ત્યારે વિજેતા ભારતીય ટીમને ટ્રોફી સોંપવામાં આવી ન હતી કારણ કે ટીમ ઈન્ડિયાએ નકવીના હાથેથી ટ્રોફી લેવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો.

રવિવારના આ ઘટનાક્રમ વચ્ચે મેદાનમાં હાજર ચાહકોએ પણ નકવીને ’ચોર’ કહીને ચીડવ્યા હતા. મોહસિન નકવી પાકિસ્તાન સરકારમાં ગૃહ મંત્રી પણ છે. તેમણે ‘ઓપરેશન સિંદૂર’ સમયે ભારત વિરોધી નિવેદનો આપ્યા હતા. આ જ કારણોસર, વર્ષ 2025માં ભારતીય પુરુષ ક્રિકેટ ટીમે પણ તેમના હાથે એશિયા કપની ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

જોકે, આ ઘટનાક્રમ અચાનક નથી થયો. અહેવાલો અનુસાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ એસીસી અધિકારીઓને અગાઉથી જ જણાવી દીધું હતું કે જો મોહસિન નકવી પુરસ્કાર સમારોહમાં હાજર રહેશે તો ભારતીય ટીમ તેમની પાસેથી ટ્રોફી સ્વીકારશે નહીં. એટલે કે, આ વખતે મેદાન પર ટ્રોફી ન લેવાનો નિર્ણય પહેલેથી જ નક્કી હતો.  

ઇ-પેપરના નવા શુલ્ક