• મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2026

બાપ્પા આવ્યા ને મેઘમહેર વરસાવી : મુરઝાતા પાકને મળ્યું જીવનદાન

બે માસના વરસાદી વિરામનો અંત : સૌરાષ્ટ્રમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ

વલ્લભીપૂર 6, ડોળાસા-ગોંડલ-જાળિયા 4, જામકંડોરણા-ગઢડા(સ્વામીના)-તાલાલા-ઉમરાળા 3.5, ગીરનાર-ભેસાણ- કોટડાસાંગાણી-બોટાદ 3, માળિયા હાટીના-વિસાવદર-મોડાસા-કુતિયાણા-રાજકોટ 2.5, રાણપુર-કોડીનાર-રાજુલા-બરવાળા 2, તળાજા-ચોરવાડ 1.75, ભાણવડ-માણાવદર- મેંદરડા-માધવપુર 1.5, કલ્યાણપુર- કેશોદ-માંગરોળ-જાફરાબાદ-પોરબંદર 1, વડિયા 0.75 ઇંચ વરસાદ

       જૂનાગઢને પીવાનું પાણી પૂરું પાડતો આણંદપુર ડેમ છલકાયો : કાળવા, સોનરખ નદીમાં પૂર : દામોદર કુંડમાં નવા નીર

બોટાદની ઉતાવળી-મધુ નદીમાં પૂર, રસ્તાઓ પર પાણી ફરી વળતા લોકો પરેશાન

અરબી સમુદ્રમાં ભારે પવન ફૂંકાવાની આગાહીના પગલે માછીમારીની મનાઈ ફરમાવી

કાંસાબડ ગામે વીજળી પડતા પશુપાલક અને ભેંસનું મૃત્યુ

રાજકોટ તા.14 : શ્રાવણ મહિનો વીતી ગયો, આકાશ તરફ મીટ માંડીને બેઠેલા ખેડૂતોની આશા લગભગ ઓસરવા લાગી હતી અને વરસાદના લાંબા વિરામથી ચોમાસુ પાકો મુરઝાવા લાગ્યા હતા. ત્યારે ગણપતિ બાપ્પાના આગમન સાથે જ સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ પણ ધમાકેદાર પધરામણી કરી છે. દોઢથી અઢી માસના લાંબા વિરામ બાદ છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે અને ક્યાંક ધોધમાર વરસાદ વરસતા ધરતીપુત્રોના ચહેરા પર ફરી આશાની ચમક જોવા મળી છે. ક્યાંક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે તો ક્યાંક નદીઓ-નાળાંમાં નવા નીર આવ્યા છે. જૂનાગઢનો આણંદપુર ડેમ છલકાઈ ગયો છે, જ્યારે ગિરનાર પર્વત સહિત સોરઠમાં ઝરણાં વહેવા લાગ્યાં છે. મુરઝાતા મગફળી, કપાસ, સોયાબીન અને તુવેર સહિતના ખરીફ પાક માટે આ વરસાદ જીવનદાનરૂપ બન્યો છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો હવે આગામી દિવસોમાં વધુ સારા વરસાદની આશા રાખી રહ્યા છે. દરમિયાનમાં આજે 250 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ ભાવનગરના વલ્ભીપુરમાં 6 ઇંચ વરસાદ વરસ્યો હતો. તેમજ ડોળાસા-ગોંડલ-જાળિયા 4, જામકંડોરણા-ગઢડા

(સ્વામીના)-તાલાલા-ઉમરાળા 3.5, ગીરનાર-ભેસાણ- કોટડાસાંગાણી-બોટાદ 3, માળિયા હાટીના-વિસાવદર-મોડાસા-કુતિયાણા-રાજકોટ 2.5, રાણપુર-કોડીનાર-રાજુલા-બરવાળા 2 ઇંચ સહિત અનેક જગ્યાએ વરસાદ વરસ્યો છે.

રાજકોટ : લાંબા સમય બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં બપોરે માત્ર એક કલાકમાં બેથી અઢી ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયાં હતાં. ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું હતું, જ્યારે ગણેશ મહોત્સવના વિવિધ આયોજનોમાં પણ પાણી ભરાઈ જતાં આયોજકોની મુશ્કેલી વધી હતી. શહેરના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વૃક્ષો ધરાશાયી થવાના બનાવો પણ બન્યા હતા. ગત રવિવારે સવારથી આજે આખો દિવસ હળવા-ભારે ઝાપટા સ્વરૂપે મેઘમહેર યથાવત રહી છે. આ લખાઈ રહ્યું છે ત્યારે રાત્રે 8 વાગ્યે પણ ઝરમર વરસાદ વરસી રહ્યો છે. મોસમનો કુલ 21 ઈંચ વરસાદ નોંધાયો છે.

વલ્લભીપૂર : છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે તો મેઘરાજા મનમુકીને વરસતા 6 ઈંચ પાણી વરસ્યું હતું જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતાં અને પી.જી.વી.સી.એલ. (જુઓ પાનું 10)

દ્વારા શહેરમાં અનેક વખત વીજ પુરવઠો બંધ કરતાં લોકો હેરાન થયા હતાં.

ગોંડલ : સવારે હળવો વરસાદ વરસ્યા બાદ બપોરનાં સાંબેલાધારે મેઘવર્ષા થતા સાંજ સુધીમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે કાશીવિશ્વનાથ રોડ પર આવેલા રાતાપુલ હેઠળ પાણી ભરાતા વાહનવ્યવહાર અટકી પડ્યો હતો. ઉમવાડા અંડરબ્રીજમાં પણ પાણી ભરાયા હતાં. ભારે વરસાદને કારણે રાજમાર્ગો પર ઠેરઠેર પાણી ભરાયા હતા. ગુંદાળા દરવાજા અને ગુંદાળા શેરીમાં પાણી ભરાયા હતા. ગોંડલનાં ગ્રામ્ય વિસ્તારમાં પણ શ્રીકાર વરસાદ વરસતા ખેડૂતોમાં હરખની હેલી ઉઠવા પામી હતી. વરસાદને કારણે મગફળી, કપાસ, સોયાબીન જેવા વાવેતરને જીવતદાન મળ્યુ છે.

ઉમરાળા : 43 દિવસ કોરા ગયા બાદ ઉમરાળા પંથકમાં ગઈકાલે રવિવારે 18 મી.મી.અને આજે સોમવારે સવારથી સારો વરસાદ વરસી રહ્યો હોઈ ખેડૂતોની ચિંતા હળવી થઈ છે. આજ સવારના 10થી સાંજના 6 સુધીમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયા પછી પણ હજુ ધીમી ધારે વરસાદ ચાલુ છે.

અમરેલી : જિલ્લામાં છેલ્લા 48 કલાકથી વરસાદી માહોલ જામ્યો છે. શરૂઆતમાં ધીમીધારે વરસેલા વરસાદે હવે જિલ્લાના અનેક વિસ્તારોમાં જોર પકડ્યું છે. ખાસ કરીને કોસ્ટલ બેલ્ટમાં મેઘરાજાએ મહેર વરસાવતાં રાજુલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. રાજુલા શહેરમાં આજે વરસાદે અચાનક જોર પકડતાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે શહેરના બજારોમાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું અને કેટલાક માર્ગો પર પાણીનો પ્રવાહ નદી માફક વહેતો જોવા મળ્યો હતો. ખાસ કરીને રાજુલાની હવેલી શેરી વિસ્તારમાં વરસાદી પાણીના ધસમસતા પ્રવાહને કારણે સ્થાનિકોમાં ભારે ચર્ચા જોવા મળી હતી. રાજુલામાં આશરે 2 ઇંચ, જાફરાબાદમાં 1 ઇંચ અને વડીયામાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે. અમરેલી શહેર સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અમરેલી નજીકના જાળીયા ગામમાં અંદાજે 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં સ્થાનિક તળાવમાં નવા નીરની આવક થઈ હતી. પાણીની આવક વધતાં તળાવ ઓવરફ્લો થતાં ગ્રામ જનોમાં ખુશી છવાઈ હતી. લાંબા વિરામ બાદ અમરેલી જિલ્લામાં ફરી વરસાદી માહોલ સર્જાતાં ખેડૂતોમાં નવી આશા જાગી છે. વરસાદ ખેંચાવાને કારણે પાકને નુકસાન થવાની ચિંતા વચ્ચે પડેલા વરસાદથી કપાસ સહિતના ખરીફ પાકને ફાયદો થવાની આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

જામ ખંભાળીયા : દ્વારકા જિલ્લામાં લાંબા સમયથી ચાલી રહેલી દુકાળગ્રસ્ત અને ચિંતાજનક પરિસ્થિતિ વચ્ચે આજે વાતાવરણમાં સારો પલટો જોવા મળ્યો હતો. ખંભાળિયા અને દ્વારકા પંથકમાં આજ સાંજે 4:00 વાગ્યા સુધીમાં એક થી દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેમાં દ્વારકામાં 9મીમી, ખંભાળીયામાં 5 મીમી, કલ્યાણપુરમાં 23 મીમી અને ભાણવડમાં 34 મીમી જેટલો વરસાદ પડ્યો છે. લાંબા વિરામ બાદ વરસેલા આ મેઘસંદેશથી ધરતીપુત્રોમાં એક નવી આશાનો સંચાર થયો છે.

જામકંડોરણા :  આજે બપોરના 1-30 કલાકે ધોધમાર વરસાદ શરૂ થયો હતો જે 3-30 વાગ્યાં સુધીમાં બે કલાકમાં ધોધમાર 88 મી. મી. (સાડા ત્રણ ઈંચ )વરસાદ પડી ગયો હતો. આ ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા. આ વરસાદથી ગામની ઉતાવળી નદીમાં પૂર આવ્યુ હતું 

માળીયા હાટીના:  અઢી મહિના પહેલા ત્રણ દિવસમાં એકી સાથે 30 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો એ પછી 70 દિવસ સુધી વરસાદ ન વરસતા ધરતીપુત્રો ચિંતાતુર બની ગયા હતા. આજે સવારથી બપોર સુધીમાં અઢી ઇંચ પાણી પડ્યું છે. મગફળી સહિતના ચોમાસુ પાકને જીવનદાન મળ્યું છે.

રાણપુર : કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાતા મુખ્ય બજાર, રોડ, બસ સ્ટેન્ડ અને ગ્રામ પંચાયત પાસે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. રાણપુર શહેરમાં લાંબા વિરામ બાદ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. સાંજે 6 વાગ્યા સુધીમાં અંદાજે 2 ઇંચ વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે.

નિકાવા : આજે સાજે ધીમીધારે વરસાદ વરસ્યો હતો જો કે હજુ સારા વરસાદની રાહ ખેડૂતો જાઇ રહ્યા છે.

બોટાદ : બીજા દિવસે મેઘરાજાએ મન મૂકીને વરસાદ વરસાવતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જ્યારે માત્ર  ત્રણ ઇંચથી વધુ વરસાદ પડતા ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયા હતા. જેને લઇ વહીવટી વિભાગની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા હતા. શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે બપોરના સમયે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેના પગલે શહેરની મધ્યમાંથી પસાર થતી ઉતાવળી અને મધુ નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. બંને નદીઓના સંગમ સ્થાન નજીકના માર્ગ પર પાણી ફરી વળતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જિલ્લા કન્ટ્રોલ રૂમના તા.14ના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં બોટાદ તાલુકામાં 78 મિ.મી., ગઢડા તાલુકામાં 81 મિ.મી., રાણપુરમાં 11 મિ.મી. અને બરવાળામાં 44 મિ.મી. વરસાદ નોંધાયો હતો.

વાંકાનેર : લાંબા વિરામ બાદ આખરે મેઘરાજાએ ગાજવીજ સાથે ધીમીધારે એન્ટ્રી કરતાં લોકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો. સમીસાંજે ગાજવીજ સાથે હળવો વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

ગઢડા : છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે મોડી રાત્રીથી બીજા દિવસે મોડી સાંજ સુધી સતત હળવાથી ભારે વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ગઢડા શહેરમાં વહેલી સવારથી મોડી સાંજ સુધીમાં 81 મી.મી. વરસાદ નોંધાયો હતો.

તળાજા : આજે વહેલી સવારે 5 વાગ્યે ઝરમર વરસાદ શરૂ થયો હતો. દોઢેક કલાક ઝરમર વરસ્યા બાદ વિરામ લીધો હતો. જોકે 10.50 મિનિટે અનરાધાર વરસવાનું શરૂ કર્યું હતું. મેઘરાજા પોણા કલાકમા જ 44 મીમી એટલે કે પોણાબે ઈંચ વરસી ગયા હતા. ધોધમાર વરસાદને પગલે અહીંના પાવઠી રોડ પરની દુકાનોમા પાણી ઘુસી ગયા હતા. લાતી બજારની જે.વી ફરસાણ નામની દુકાનમા પાણી ઘુસી જતા વાસણો તરવા લાગ્યા હતા. મુશળધાર વરસાદના પગલે એક જ કલાકમા તળાજી નદીમા ઘોડાપુર આવ્યું હતું. તળાજા નદી પર બનાવવામા આવતા પુલના પીલોરને ટેકાઓ મુકવામાં આવ્યા હતા. એ ટેકાનો સામાન તૂટીને પાણીના પ્રવાહમાં તણાઈ ગયાનો વિડિઓ કોઈએ વાયરલ કરતા જિલ્લા મથક સુધી પહોંચ્યો હતો. જેને લઈ અફવા ફેલાઈ હતી કે તળાજા પંથકનો કોઈ એક ડેમ તૂટ્યો છે.

કોટડાસાંગાણી: આજે બપોરના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ વીજળીના કડાકાભડાકા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ભાડવા ગામે ખેડૂતોના ખેતરોના રસ્તાઓ ધોવાઈ ગયા છે તેમજ નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા. ભાડવા ગામે નવા પુલનું કામ ચાલુ હોવાથી તેના માટે ડાયવર્ઝન (વૈકલ્પિક રસ્તો) બનાવવામાં આવ્યું હતું, જે વરસાદના પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયું હતું. આ ડાયવર્ઝન ધોવાઈ જવાના કારણે 10 થી 15 જેટલા ખેડૂતોને પોતાની વાડીએ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. આજે બપોરે 4 થી 6 વાગ્યા દરમિયાન માત્ર બે જ કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો અને આ સમયગાળા દરમિયાન 82 મીમી વરસાદ નોંધાયો છે.

જૂનાગઢ : સોરઠમાં લાંબા વિરામ બાદ ગઈકાલથી મેઘરાજાએ પધરામણી કરી આજે બીજા દિવસે મહેર ચાલુ રાખતા ગિરનાર પવૅત, માળીયા, ભેસાણમા ત્રણ-ત્રણ ઇંચ, વિસાવદરમા બે, માણાવદર- મેંદરડામાં દોઢ ઇંચ તેમજ કેશોદ માંગરોળ માં એક એક ઇંચ વરસાદ નોંધાયો છે. નદી નાળાઓમાં પુર આવતા ધરતીપુત્રો સહિતના લોકોના ચહેરા ઉપર નવી ચમક આવી છે.  ગિરનાર પર્વત સહિત સોરઠમાં છેલ્લા બે દિવસથી સારા વરસાદને કારણે જૂનાગઢ શહેરને પીવાનું પાણી પૂરું પાડતો આણંદપુર ડેમ છલકાયો છે. હસનપુર ડેમમાં નવા નીરની આવક થઈ છે, કાળવા, સોનરખ નદીમાં પૂર આવતા નરાસિંહ મહેતા સરોવરમાં પણ નવા નીરની આવક થઈ છે. આણંદપુર ડેમ ઓવરફ્લો થતાં મનપાતંત્ર દ્વારા નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. 

તાલાલા ગીર : શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાનું ભવ્ય આગમન થતાં પ્રજા તથા ખેડૂતો આનંદવિભોર થઈ ગયા છે. શહેર તથા પશ્ચિમ દિશામાં આવેલા તાલાલા વિસ્તારના 20 જેટલા ગામડામાં ત્રણથી ચાર ઈંચ જેટલો મુશળધાર વરસાદ પડ્યો હતો. જ્યારે પૂર્વ વિસ્તારના ગામડામાં બે થી ત્રણ ઈંચ જેટલો પડ્યો હોવાનાં વાવડ મળે છે. તાલાલા તાલુકાનાં ધણેજ ગીર વિસ્તારના ગામોમાં મુશળધાર વરસાદથી ધણેજ ગામ પાસેથી પસાર થતી આંબાકુઈ નદીમાં પુર આવ્યું હતું. તાલાલા પંથકમાં આ વર્ષે 7078 હેક્ટરમાં મગફળી, 5283 હેક્ટરમાં સોયાબીન સહિત કુલ 13710 હેક્ટરમાં સતાવાર ખરીફ વાવેતર નોંધાયું છે. મેઘરાજા મન મૂકીને વરસતાં ખરીફ પાકને જબરો ફાયદો થયો છે.

ડોળાસા : ડોળાસા વિસ્તારમા આજે વધુ ચાર ઇંચ વરસાદ પડી જતા લોકમા આનંદની લાગણી છવાઈ છે. ડોળાસા અને આજુબાજુ ના ગામડાઓમાં વરસાદ ના અભાવે દુષ્કાળની સ્થિતિ ઉભી થવા લાગી હતી. પણ ખરા ટાણે મેઘરાજાનુ જોરદાર આગમન થતા ખેડૂત વર્ગ અને લોકોમા ખુશી વ્યાપી ગઈ છે. તા.13-9 ના રોજ 44 મી.મી.તા.14-9 ના રોજ 10 મી.મી.અને આજે તા.14-9 ના રોજ  99 મી.મી.મળી ત્રણ દિવસ મા 153 મી.મી.( છ ઇંચ ) વરસાદ નોંધાયો છે. ખેતરો પાણીથી લથબથ ભર્યા છે. નીચાણવાળા વિસ્તારોમા એકથી બે ફૂટ પાણી ભરાયા હતા.

વાંસજાળીયા : બપોરે બે વાગ્યા આસપાસ અડધા ઈંચ જેટલો વરસાદ થયો છે.

લોઢવા : આજ રોજ સવારે લોઢવા તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની લાંબી રાહ જોયા બાદ આખરે પધરામણી થઈ હતી. સવારના સમયે ધીમી ધારે શરૂ થયેલા વરસાદે થોડીવારમાં જ સારો વેગ પકડ્યો હતો, જેના કારણે ધરતીપુત્રોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી અને ચારેય બાજુ પાણીના વહેણ જોવા મળ્યા હતા.

કોડીનાર : તાલુકાના ગામો તથા શહેરમાં ગઈકાલથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે જેમાં આજ સાંજ સુધીમાં 2ઇંચ વરસાદ પડ્યો હતો. આ વખતે કોડીનાર શિંગોડા નદીમાં એક પણ પૂર આવ્યુ નથી.

વીરપુર : સવારથી જ આકાશમાં વાદળો ઘેરાયેલા જોવા મળ્યા હતા અને દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. સાંજના સમયે અચાનક મેઘરાજાએ ધોધમાર વરસાદ સાથે એન્ટ્રી કરી હતી. લાંબા સમય બાદ વરસાદ વરસતા રસ્તાઓ ભીંજાઈ ગયા હતા અને સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

મોરબી : જીલ્લામાં રવિવારે સાંજથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો રવિવારે સાંજથી શરુ થયેલો વરસાદ રવિવારે રાત્રીના અને સોમવારે સવારથી સાંજ સુધી ઝરમર વરસાદ અને ક્યારેક હળવા વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. સાંજ સુધી સતત વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં હળવદમાં સવા ઇંચ અને મોરબીમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો.

ધોરાજી : રવિવારથી ધીમીધારે વરસાદ શરૂ થતા સતત બીજા દિવસે સોમવાર રાત સુધી ધીમીધારે વરસાદ ચાલુ રહેતા ખેડૂતોમાં ખરા અર્થમાં ખુશી જોવા મળી હતી.

દ્વારકા : આજરોજ ગણેશ ચતુર્થીના પાવન અવસરે મેઘમહેરનો પ્રારંભ થતાં સાંજ સુધીમા ધીમી ધારે અડધો વરસાદ ઇંચ વરસાદ નોંધાતા રસ્તાઓમાં પાણી ભરાયા હતા.  સાથે અરબી સમુદ્રમાં પણ વરસાદી કરન્ટ જોવા મળ્યો હતો અને દરિયાકિનારે વિશાળકાય મોજાઓ ઉછળતાં જોવા મળ્યા હતા.

પોરબંદર : આજે સવારથી જ ઠેર-ઠેર ગણપતિ બાપ્પાની પધરામણી થઈ રહી છે, ત્યારે બપોર બાદ મેઘરાજાએ પણ પોરબંદરમાં એન્ટ્રી મારી છે. કુતિયાણા અને આસપાસના વિસ્તારમાં સૌથી વધુ 67 મી.મી. એટલે કે અઢી ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. પોરબંદર શહેર અને આસપાસના વિસ્તારમાં 26 મી.મી. એટલે કે એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાણાવાવ શહેર અને તાલુકામાં 12 મી.મી. એટલે કે અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક, પોરબંદરની કચેરી દ્વારા એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ખરાબ હવામાન અને ભારે પવનની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના - બોટોને તાત્કાલિક સુરક્ષિત બંદરે પાર્ક કરવા આદેશ છે. હવામાન વિભાગની આગાહી મુજબ તા. 14-09-2026 થી આગામી પાંચ દિવસ સુધી દરિયામાં ભારે પવન ફૂંકાવાની અને હવામાન અતિ ખરાબ રહેવાની શક્યતા છે. કુતિયાણા તાલુકાના કાંસાબડ ગામે આજે આકાશી વીજળી પડતા એક કરૂણ ઘટના બની છે. ખુલ્લા વિસ્તારમાં રહેલા વિનુભાઈ મેરામણભાઈ ઓડેદરા (ઉં. આશરે 50 વર્ષ) ઉપર વીજળી પડતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું છે. સાથે જ તેમની માલિકીની એક ભેંસનું પણ મોત થયું હોવાની જાણકારી મળી છે. આ ઘટનાને પગલે કાસાબડ ગામ સહિત સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

માધવપુર : માધવપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા સમયના આકરા તડકા અને અસહ્ય ઉકળાટ બાદ આજે મેઘરાજાએ ધમાકેદાર બાટિંગ કરી છે. પંથકમાં લાંબા સમય બાદ ધીમી તેમજ તેજ ધારે વરસેલા 1.5 ઇંચ જેટલા વરસાદને કારણે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ખેતરોમાં ઊભા સુકાતા પાકને સમયસર પાણી મળી જતાં આ વરસાદ ધરતીપુત્રો માટે ’કાચું સોનું’ વરસ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે.

મોડાસા : ગઈકાલથી જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં જિલ્લાના તમામ તાલુકાઓમાં દિવસભર ઓછા-વત્તા પ્રમાણમાં સતત વરસાદ વરસ્યો હતો. શહેરમાં એકધારે વરસાદથી નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા જેના કારણે તંત્ર દોડતું થયું હતું. જિલ્લા કંટ્રોલ રૂમએ ધનસુરામાં 2.28 ઇંચ, ભિલોડા 1.38 ઇંચ, મોડાસા 2.36, મેઘરજ 2.80, માલપુર 0.59, બાયડ 2.68, શામળાજી 1.02 , સાઠંબામાં 0.94 ઇંચ એમ જિલ્લામાં બપોરે બે વાગ્યા સુધી કુલ સરેરાશ 1.76 જેટલો વરસાદ નોંધાયો હોવાનું સત્તાવાર માહિતીમાં જણાવાયું છે.

સુરત : બે દિવસથી પડી રહેલા વરસાદને લીધે ફરી નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. વરસાદને લીધે સુરતમાંથી પસાર થતા કોઝવે ફરી ઓવર ફ્લો થતા ગતરોજ બંધ કરવાની ફરજ પડી હતી. હવામાન વિભાગના આજે વહેલી સવારે 6 વાગ્યા થી મોડી સાંજ સુધીમાં નોંધાયેલા આંકડા મુજબ નવસારી જિલ્લાના ગણદેવીમાં 74 મીમી, ખેરગામમાં 24 મીમી, ચીખલીમાં 19 મીમી અને સુરત જિલ્લાના સુરત સિટીમાં 55 મીમી, ઓલપાડમાં 38 મીમી, અંબિકામાં 28 મીમી વરસાદ નોંધાયો છે. ઉપરાંત વલસાડ જિલ્લાના કપરાડામાં 14 મીમી, પારડીમાં 31 મીમી, ધરમપુરમાં 19 મીમી, ઉમરગામમાં 26 મીમી,  નાનાપોંડા 26મીમી, વલસાડ સિટીમાં 22 મીમી વરસાદ નોંધાયો છે. તથાતાપી જિલ્લાના ડોલવણમાં 14 મીમી, વાલોડમાં 17 મીમી વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની હાલની સપાટી 336.59 અને રૂલ લેવલ 333 ફૂટ છે.ડેમમાં પાણીનો ઈન ફ્લો 32485 અને આઉટ ફ્લો 800 ક્યુસેક છે. 

દીવ : આજે સવારેથી જ વરસાદી માહોલ વચ્ચે રાત સુધી ધીમીધારે વરસાદ વરસ્યો હતો. જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

ચોરવાડ : સવારથી સાંજ સુધીમાં 1.75 ઈંચ વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક