આતંકી મસૂદ અઝહર ઉપર ઘોષિત કર્યું
70 લાખનું ઈનામ
ઈસ્લામાબાદ, તા. 14 : ફાયનાન્શિયલ
એક્શન ટાસ્ક ફોર્સ એટલે કે એફએટીએફની ઓક્ટોબરમાં થનારી બેઠક પહેલા પાકિસ્તાને આતંકવાદી
સંગઠન જૈશ એ મોહમ્મદના પ્રમુખ આતંકવાદી મસૂદ અઝહરને લઈને એક મોટું એલાન કર્યું હતું.
પાકિસ્તાની રાષ્ટ્રીય તપાસ એજન્સી એફઆઈએએ પોતાની મોસ્ટ વોન્ટેડ આતંકીઓની રેડ બુક જાહેર
કરી છે. જેમાં મસૂદ અઝહર ઉપર 70 લાખ રૂપિયાનું ઈનામ ઘોષિત કરવામાં આવ્યું છે.
દર પાંચ વર્ષે જાહેર થનારી રેડ
બૂકમાં મસૂદ અઝહરનું નામ સામેલ કરવામાં આવ્યું છે. પાકિસ્તાનની આ કાર્યવાહીને એફએટીએફની
બેઠક પહેલા કરવામાં આવેલી દેખાડાની કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે. મસૂદ અઝહરને
લઈને પાકિસ્તાન પહેલા પણ આવા દાવા કરી ચૂક્યું છે. 2021માં એફએટીએફના ગ્રે લિસ્ટમાંથી
બહાર આવવા અને અઝહર સામે કાર્યવાહીને લઈને સવાલો વચ્ચે પાકિસ્તાને દાવો કર્યો હતો કે
મસૂદ અઝહર પાકિસ્તાનમાંથી ગાયબ થયો છે અને અફઘાનિસ્તાનમાં છે. તે સમયે એફઆઈએએ મસૂદ
અઝહર ઉપર 50 લાખનું ઈનામ ઘોષિત કર્યું હતું. હવે આ ઈનામ વધારીને 70 લાખ કરવામાં આવ્યું
છે. પાકિસ્તાન સતત દાવો કરી રહ્યું છે કે મસૂદ અઝહર પાકિસ્તાનમાં નથી પણ અફઘાનિસ્તાનમાં
છે. તેવામાં ઈનામમાં કરવામાં આવેલા વધારાએ પાકિસ્તાની કાર્યવાહી ઉપર સવાલ ઉભા કર્યા
છે.