5.13
લાખથી વધુ ઈ-મેઇલ આઈડી-પાસવર્ડ બનાવ્યાનો ખુલાસો
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા. 14 : ગાંધીનગર સચિવાલય, કોર્ટ અને અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
આપતા ઈ-મેઇલ મામલે ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમને મોટી સફળતા મળી છે. ટેકનિકલ
તપાસના આધારે પોલીસે બિહાર અને ઝારખંડમાંથી બે શખસની ધરપકડ કરી છે.
10 સપ્ટેમ્બરે
ગાંધીનગર સચિવાલયને ઈ-મેઇલ મારફતે બોમ્બની ધમકી મળ્યા બાદ સાયબર ટીમે તપાસ શરૂ કરી
હતી. ઈ-મેઇલના ટેકનિકલ ટ્રાસિંગ દરમિયાન તેનું લોકેશન બિહારના ભાગલપુરમાં મળ્યું હતું.
આ આધારે બિહાર પોલીસના સહયોગથી રોશન કુમારને ઝડપી લેવામાં આવ્યો હતો. વધુ તપાસમાં આ
નેટવર્ક સાથે સંકળાયેલા ગુલશન કુમારનું લોકેશન ઝારખંડમાં મળતાં તેની પણ ધરપકડ કરવામાં
આવી હતી. તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી
છે. આરોપીઓ વર્ષ 2022થી ધમકીભર્યા ઈ-મેઇલ માટે ઈ-મેઇલ આઈડી અને પાસવર્ડ તૈયાર કરતા
હોવાનું બહાર આવ્યું છે. અત્યાર સુધીમાં તેમણે 5,13,847થી વધુ ઈ-મેઇલ આઈડી અને પાસવર્ડ
બનાવ્યા હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. આ આઈડી-પાસવર્ડ અન્ય લોકોને વેચવામાં આવતા
હોવાની પણ માહિતી મળી છે.
સાયબર
તપાસ દરમિયાન બે ક્રિપ્ટો વોલેટ પણ મળી આવ્યા છે. આ વોલેટ દ્વારા કેટલા વ્યવહારો થયા,
કોની સાથે નાણાકીય લેવડદેવડ થઈ અને સમગ્ર નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે
તે અંગે તપાસ ચાલી રહી છે.