બેંક અધિકારી બની ગઠિયાએ વૃદ્ધના
નામે લોન મેળવી લીધી
ગોંડલ, તા.14:ગોંડલની ગોકુલ વાટીકા
સોસાયટીમાં રહેતા અને રેલવેના નિવૃત્ત કર્મચારી અતુલકુમાર જમનાદાસ બોસમિયા સાથે સ્ટેટ
બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારીની ખોટી ઓળખ આપી સાયબર ગઠિયાએ રૂ. 3.58 લાખનું ફ્રોડ આચર્યું
હતું. આરોપીએ ફોન કરીને યુનો એપ અપડેટ કરવાના બહાને વોટ્સએપ પર એક શંકાસ્પદ ફાઇલ મોકલાવી
હતી. વૃદ્ધે વિશ્વાસમાં આવીને ફાઇલ ઇન્સ્ટોલ કર્યા બાદ પોતાના એટીએમ કાર્ડના નંબરો
અને ઓટીપી આપતા જ ગઠિયાએ તેમના નામે રૂ. 7.10 લાખની પર્સનલ લોન મંજૂર કરાવી લીધી હતી
અને ખાતામાંથી અલગ-અલગ ટ્રાન્જેક્શન કરીને કુલ રૂ. 3,58,050 ઉપાડી લીધા હતા.
સમગ્ર કૌભાંડ અંગે રાજકોટ રહેતા
નિવૃત્ત કર્મચારી અતુલકુમાર જમનાદાસ બોસમીયાના પુત્રોને શંકા જતાં તેમણે બેંકમાં તપાસ
કરી હતી, જેના કારણે સમયસર જાણ થવાથી બાકીની રકમ સુરક્ષિત રહી હતી અને વધુ નુકસાન અટક્યું
હતું. ઘટનાની જાણ થતાં જ પુત્રોએ તાત્કાલિક સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી
હતી. આ મામલે ગોંડલ બી. ડિવિઝન પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો નોંધીને ટેક્નિકલ સર્વેલન્સ
અને કૉલ ડિટેલ્સના આધારે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.