• ગુરુવાર, 18 જૂન, 2026

બીજા વન ડેમાં અફઘાનિસ્તાન સામે ભારતનો 170 રને મહાવિજય

3 મેચની શ્રેણી 2-0થી કબજે કરી : ટીમ ઇન્ડિયાનો આઠમીવાર 400 પ્લસ સ્કોરનો રેકોર્ડ

403 રનના વિજય લક્ષ્યાંક સામે અફઘાનિસ્તાનના 232 કપ્તાન ગિલ અને ઇશાનની સદી બાદ બોલરો ત્રાટક્યાં

લખનઉ, તા.17: કપ્તાન શુભમન ગિલના 1પ4 અને ઇશાન કિશનના 12પ રન પછી બોલરોના શાનદાર દેખાવથી અફઘાનિસ્તાન સામેના બીજા વન ડે મેચમાં ભારતનો 170 રને મહાવિજય થયો હતો. આ સાથે જ ભારતે 3 મેચની શ્રેણી 2-0ની અજેય સરસાઇથી કબજે કરી હતી. ભારતના 402 રનના જવાબમાં અફઘાનિસ્તાન ટીમ 44.3 ઓવરમાં 232 રને ઓલઆઉટ થઇ હતી. ભારતીય ટીમે વન ડે ક્રિકેટમાં આઠમી વખત 400 પ્લસનો સ્કોર કરીને દ. આફ્રિકાના રેકોર્ડની બરાબરી કરી છે. ભારત-આફ્રિકા પછી 7 વખત 400 પ્લસ ટોટલ કરી ઈંગ્લેન્ડ ત્રીજા નંબર પર છે.

403 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરી રહેલ અફઘાન ટીમ તરફથી રહમત શાહે 79, સદિકુલ્લાહ અટલે 42 અને ગુરબાજે 41 રન કર્યા હતા. ભારત તરફથી અર્શદીપ અને ગુરનુર બ્રારે 3-3 વિકેટ લીધી હતી. પ્રિંસ યાદવને ડેબ્યૂ મેચમાં 2 વિકેટ મળી હતી.

અગાઉ અફઘાનિસ્તાનને ટોસ જીતીને બોલિંગ પસંદ કરવાનો નિર્ણય મોંઘો પડયો હતો. ભારતય ટીમે કેપ્ટન શુભમન ગિલની આક્રમક દોઢી સદી (1પ4) અને ઇશાન કિશનની વિસ્ફોટક સદી (12પ)ની મદદથી 49.પ ઓવરમાં 402 રન ખડકી ઓલઆઉટ થઈ હતી. આક્રમક શરૂઆત બાદ અંતમાં ટીમ ઇન્ડિયા ફસકી પડી હતી અને આખરી 8 વિકેટ 82 રનમાં ગુમાવી હતી.

કપ્તાન શુભમન ગિલ અને ઇશાન કિશને વિદ્યૃતવેગી બેટિંગ કરીને અફઘાન બોલર્સ સામે પાવર હિટિંગ કર્યું હતું. ગિલે 16 મહિના પછી વન ડે સદી કરી હતી જ્યારે ઇશાને 2022 પછી વન ડે સદી કરી હતી. આ બન્ને ત્રીજી વિકેટમાં 141 દડામાં 224 રનની ઝડપી ભાગીદારી થઈ હતી. ઇશાન કિશન 79 દડામાં 14 ચોક્કા અને 7 છક્કાથી 12પ રને આઉટ થયો હતો. ઇશાને અર્ધસદી બાવન દડામાં કરી હતી. આ પછી તેણે પાવર હિટિંગ કરીને બાકીના 7પ રન માત્ર 27 દડામાં બનાવ્યા હતા. તેના આઉટ થયા પછી તુરત ગિલ તેની 10મી વન ડે સદી ફટકારીને 110 દડામાં 22 ચોક્કા અને 2 છક્કાથી 1પ4 રને આઉટ થયો હતો.

આ પછી ભારતીય બેટધરો ટપોટપ આઉટ થતાં રહ્યા હતા. રાહુલ પહેલા દડે આઉટ થયો હતો. શ્રેયસે 26 રન કર્યા હતા. આ પહેલા રોહિત શર્મા 48 રને યશસ્વી જયસ્વાલ 4 રન કરી આઉટ થયા હતા. અફઘાનિસ્તાન તરફથી નાંગેલિયા ખરોટેએ 76 રનમાં 4 અને રાશિદ ખાને 48 રનમાં 3 વિકેટ લીધી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક