564 રને ઈનિંગ ઘોષિત કર્યા બાદ અફઘાનિસ્તાનની 113 રનમાં પાંચ વિકેટ : ડેબ્યુ કરનારા માનવ સુથારે કર્યા ત્રણ શિકાર, પંત સદી ચૂક્યો
નવી
દિલ્હી, તા. 7 : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મુલ્લાંપુરમાં રમાઈ રહેલા ટેસ્ટ મેચમાં
ભારતે પકડ મજબૂત કરી છે. મુકાબલાના બીજા દિવસના અંતે અફઘાનિસ્તાનની પહેલી ઈનિંગમાં
5 વિકેટે 113 રન થયા હતા. જેમાં રહમત શાહ 43 રને નોટઆઉટ હતો. પહેલી ઈનિંગના આધારે અફઘાનિસ્તાનની
ટીમ હજી પણ 451 રનથી પાછળ છે. જ્યારે ભારત તરફથી ડેબ્યુ કરનારા ખેલાડી માનવ સુથારે
તરખાટ મચાવતા 3 વિકેટ લીધી હતી.
મુકાબલામાં
ભારતીય ટીમે પહેલી ઈનિંગ આઠ વિકેટે 564 રન બનાવીને ઘોષિત કરી હતી. ભારત તરફથી કેપ્ટન
શુભમન ગિલ અને કેએલ રાહુલે સદી કરી હતી. જ્યારે પંત 81 રન કરીને આઉટ થયો હતો. મુકાબલામાં
કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અફઘાનિસ્તાનની
પહેલી ઈનિંગની શરૂઆત ખાસ રહી નહોતી. અબ્દુલ મલિક માત્ર 16 રન બનાવીને આઉટ થયો હતો.
તેની વિકેટ ડેબ્યુ કરનારા માનવ સુથારે લીધી હતી. ત્યારબાદ પ્રસિદ્ધ કૃષ્ણાએ સેદિકુલ્લાહ
અટલને 17 રને આઉટ થયો હતો. જ્યારે સુથારે રહમાનુલ્લાહ ગુરબાઝને 12ના અંગત સ્કોરે પેવેલિયન
મોકલી અફઘાનિસ્તાનને બેકફુટ ઉપર લાવ્યું હતું.
અફઘાનિસ્તાનની
ટીમનો કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી લયમાં લાગી રહ્યો હતો પણ પ્રસિદ્ધે તેને વધુ રન કરવા
દીધા નહોતા. બાદમાં સ્ટમ્પના થોડા સમય પહેલા જ માનવ સુથારે અફસર જજઈને આઉટ કરીને અફઘાનિસ્તાનને
પાંચમો ઝટકો આપ્યો હતો. હવે અફઘાન ટીમની આશા રહમત શાહ ઉપર છે.
આ અગાઉ
બીજા દિવસના પહેલા સેશનમા શુભમન ગિલ અને પંતે ઈનિંગ શરૂ કરી હતી. મોહમ્મદ સલીમ સફીએ
શુભમનને આઉટ કરીને ભારતને ચોથો ઝટકો આપ્યો હતો. તેણે 177 બોલનો સામનો કરીને 126 રન
કર્યા હતા. શુભમન અને પંત વચ્ચે ચોથી વિકેટ માટે 169 રનની ભાગીદારી થઈ હતી. બાદમાં
ધ્રુવ જુરેલ 19 રને આઉટ થયો હતો. પંત પાસે સદીની તક હતી પણ 121 બોલમાં 81 રને આઉટ થયો
હતો. આ ઉપરાંત વોશિંગ્ટન સુંદરે નોટઆઉટ 52 રન કર્યા હતા. જ્યારે માનવ સુથારે 28 અને
સિરાજે 22 રનનું યોગદાન આપ્યું હતું. અફઘાનિસ્તાન તરફથી મોહમ્મદ સલીમ સફીએ સૌથી વધારે
છ વિકેટ લીધી હતી.