• મંગળવાર, 28 એપ્રિલ, 2026

ચૂંટણીનું આજે પરિણામ : પુનરાવર્તન કે પરિવર્તન?

 - 9263 બેઠક માટેના ચૂંટણી જંગમાં વિપક્ષની તાકાત મજબૂત બનશે કે શાસકોનું વર્ચસ્વ યથાવત્ રહેશે ? રાજકીય વર્તુળોમાં ચર્ચા

 

પ્રકાશ જહા

ગાંધીનગર,  તા. 27 : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓના પરિણામ આજે જાહેર થવા જઈ રહ્યા છે ત્યારે શું ગુજરાતમાં વિપક્ષની તાકાતમાં વધારો થશે કે પછી પુનરાવર્તન થશે તો કેવું થશે ? તેને લઈ પાટનગરના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગઈકાલે મતદાન દરમિયાન જે ટ્રેન્ડ જોવા મળ્યો તેને અનેક પ્રશ્નો રાજકીય વર્તુળોમાં ઊભા કર્યા છે. રાજ્યમાં મુખ્ય સ્પર્ધા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ રહેશે તો ‘આપ’ તેની તાકાતમાં વધારો કરી અને કેવો દેખાવ કરે છે તેના ઉપર સૌની મીટ મંડાયેલી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓનું મહત્ત્વ એટલા માટે છે કે 2017માં વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજવાની છે તેમજ ‘સર’ની કામગીરી સંપન્ન થયા પછી ગુજરાતમાં પહેલી આ ચૂંટણી યોજાઈ છે, તેથી મતદારોના ઝુકાવનો એક ટ્રેન્ડ જાણવા મળશે તેવું રાજકીય નિષ્ણાતોનું માનવું છે.

બીજી તરફ રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે, આ ચૂંટણીના પરિણામો પછી સરકાર સામે નવા પડકારો  ઊભા થશે કે કેમ અને એ પડકારો કેવા પ્રકારના હશે તેને લઈ પણ અનેકવિધ તર્ક વિતર્ક ચાલી રહ્યા છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે ગુજરાતમાં પરિવર્તનની લહેર હોવાનો દાવો કર્યો છે પરંતુ જે ટ્રેન્ડ મતદારોનો જોવા મળે છે તે જોતા પુનરાવર્તનની શક્યતાઓ વધુ છે, પરંતુ વિપક્ષની તાકાતમાં વધારો થશે એમાં કોઈ બે મત નથી. હવે જોવાનું એ રહે છે કે 2021માં જે પરિણામો હતા તેમાં વિપક્ષ કેટલો સુધારો કરી શકે છે તેના ઉપર વધુ નિર્ભર રહેશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે રીતે મુખ્યમંત્રી સહિત આખું મંત્રીમંડળ પ્રચાર અભિયાનમાં જોતરાયું હતું તે જોતા ક્યાંક ને ક્યાંક વિરોધનું વાતાવરણ વધારે હાવી થયું હોવાનું રાજકીય વર્તુળો માની રહ્યા છે.

ગુજરાતમાં ભાજપનો ગઢ મજબૂત થયો છે પરંતુ ‘સર’ની કામગીરીમાં જે રીતે કામ થયું છે અને મતદારો જે અટવાયા છે તેનો રોષ મતદાનમાં પડે તેવા સંકેતો સાથે રાજકીય વર્તુળોમાં વિપક્ષની તાકાત વધશે એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીમાં પણ આંતરિક વિખવાદો કેટલાક સ્થાનો પર વિકરાળ રૂપ ધારણ કર્યું હતું અને ક્યાંકને ક્યાંક પ્રચાર અભિયાનમાં ભાષાનો જે પ્રયોગ થયો તેને લઈ મતદારોમાં કચવાટ જોવા મળતો હતો એ પણ નિર્વિવાદ હકીકત છે.

ગુજરાતમાં વર્ષ 2021 દરમિયાન યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા સ્તરે પ્રભુત્વ સ્થાપિત કર્યું હતું. ઉપલબ્ધ પરિણામો અનુસાર ભાજપે તમામ 31 જિલ્લા પંચાયતોમાં જીત મેળવી હતી, જ્યારે કોંગ્રેસ એકપણ જિલ્લા પંચાયત જીતવામાં સફળ રહી નહોતી.

તાલુકા પંચાયત સ્તરે ભાજપે 231માંથી 196 તાલુકા પંચાયતમાં બહુમતી મેળવી હતી. કોંગ્રેસને 18 તાલુકા પંચાયતમાં બહુમતી મળી હતી, જ્યારે 15 તાલુકા પંચાયતોમાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નહોતી. બેઠકોના આંકડાઓ મુજબ તાલુકા પંચાયતની કુલ 4,774 બેઠકમાંથી ભાજપે 3,351 બેઠક જીતી હતી અને કોંગ્રેસે 1,252 બેઠક મેળવી હતી. આમ આદમી પાર્ટી તથા અન્ય ઉમેદવારોએ મર્યાદિત હાજરી નોંધાવી હતી.

નગરપાલિકા સ્તરે ભાજપે 81માંથી 74 નગરપાલિકામાં જીત મેળવી હતી. કોંગ્રેસ માત્ર 1 નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી મેળવી શકી હતી, જ્યારે 6 નગરપાલિકાઓમાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નહોતી. નગરપાલિકાની કુલ 2,720 બેઠકમાંથી ભાજપે 2,085 બેઠક જીતી હતી અને કોંગ્રેસે 388 બેઠક મેળવી હતી.

જિલ્લા પંચાયત બેઠકોના આંકડા મુજબ કુલ 980 બેઠકમાંથી ભાજપે 735 બેઠક જીતી હતી, કોંગ્રેસે 157 બેઠક મેળવી હતી અને આમ આદમી પાર્ટીએ 2 બેઠક પર જીત નોંધાવી હતી. બાકીની બેઠકો અન્ય ઉમેદવારોના ખાતામાં ગઈ હતી.

આ ચૂંટણીમાં કુલ 576 બેઠકમાંથી ભાજપે મોટાભાગની બેઠકો કબજે કરીને તમામ છ કોર્પોરેશનોમાં સત્તા જાળવી રાખી હતી. સુરત મનપામાં આમ આદમી પાર્ટીએ 27 બેઠક જીતીને વિરોધ પક્ષ તરીકે મજબૂત પ્રવેશ કર્યો હતો, જ્યારે કોંગ્રેસ માટે આ પરિણામો અત્યંત નબળા રહ્યા હતા. 

આજે જાહેર થનારા પરિણામો પરથી સ્પષ્ટ થશે કે વિપક્ષ પોતાની તાકાતમાં કેટલો વધારો કરી શક્યો છે અને 2021ની સરખામણીમાં કેટલો સુધારો નોંધાયો છે. સાથે જ, રાજ્યમાં સત્તારૂઢ પક્ષ સામે નવા રાજકીય પડકારો ઊભા થશે કે નહીં તે પણ આ પરિણામો પરથી નિર્ધારિત થશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક