• શનિવાર, 14 માર્ચ, 2026

કાવ્યા મારનની ફ્રેંચાઇઝીમાં પાકિસ્તાની સ્પિનર અબરાર સામેલ થતાં વિવાદ

ધ હંડ્રેડના ઓકશનમાં સનરાઇઝર્સ લીડ્સ ટીમે 2.43 કરોડમાં ખરીદ્યો

BCCIએ સ્પષ્ટતા કરવી પડી: ફ્રેંચાઈઝીનું એક્સ એકાઉન્ટ બંધ

નવી દિલ્હી, તા.13: ઇંગ્લેન્ડની લીગ ધ હંડ્રેડના ગઇકાલે યોજાયેલ ઓકશનમાં ભારતીય કંપની સન ગ્રુપની માલકિન કાવ્યા મારનની ફ્રેંચાઇઝી સનરાઇઝર્સ લીડ્સ દ્વારા પાકિસ્તાની સ્પિનર અબરાર અહમદને ખરીદવામાં આવ્યો છે. આ પછી ભારે વિવાદ થયો છે. આ મામલે બીસીસીઆઇએ પણ સ્પષ્ટતા કરવી પડી છે. બીજી તરફ કાવ્યા મારનની ધ હંડ્રેડની ટીમ સનરાઇઝર્સ લીડ્સનું સોશિયલ મીડિયા પરનું એકસ એકાઉન્ટ સસ્પેન્ડ થયું છે. કાવ્યા મારનની આઇપીએલ ટીમનું નામ સનરાઇઝર્સ હૈદરાબાદ છે.

ધ હંડ્રેડના ઓકશનમાં સનરાઝાઇર્સ લીડ્સના હેડ કોચ ડેનિયલ વિટ્ટોરી અને માલકિન કાવ્યા મારન દ્રારા અબરાર અહમદ પર બોલી લગાવવામાં આવી હતી. અને તેને 1 લાખ 90 હજાર પાઉન્ડ (લગભગ 2.34 કરોડ રૂપિયા)માં ખરીદ્યો હતો. આ સોદો એટલે વધુ વિવાદાસ્પદ બન્યો છે કે કોઇ ભારતીય માલિકની ફ્રેંચાઇઝીમાં જોડાનારો અબરાર અહમદ પહેલો પાકિસ્તાની ક્રિકેટર બન્યો છે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે વર્ષ 2009થી આઇપીએલમાં પાકિસ્તાની ખેલાડીઓની નો-એન્ટ્રી છે.

પાક. ખેલાડી અબરાર અહમદને સનરાઇઝર્સ હૈદરાબાદની ધ હંડ્રેડ લીગની ટીમ સનરાઇઝર્સ લીડ્સ દ્વારા ખરીદવાનો ભારતમાં ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. લોકો આઇપીએલમાં સનરાઇઝર્સ ટીમનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન બીસીસીઆઇના ઉપાધ્યક્ષ રાજીવ શુકલાએ જણાવ્યું કે આ વિદેશી લીગનો મામલો છે. અમારે તેની સાથે કાંઇ લેવા-દેવા નથી.

બીજી તરફ આ વિવાદ બાદ સનરાઇઝર્સ લીડસનું સોશિયલ મીડિયા એકસ એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. જે માટેનું કોઇ કારણ અપાયું નથી.

ધ હંડ્રેડ લીગ 21 જુલાઇથી 16 ઓગસ્ટ દરમિયાન ઇંગ્લેન્ડમાં રમાશે. જેના ઓકશનમાં અન્ય એક પાકિસ્તાની સ્પિનર ઉસ્માન તારિક 1.72 કરોડમાં બર્મિંગહામ ફીનિકસ ટીમ સાથે જોડાયો હતો.

જેમ્સ કોલ્સ સૌથી મોંઘો ખેલાડી

ધ હંડ્રેડના ઓકશનમાં ઇંગ્લેન્ડનો યુવા બેટર જેમ્સ કોલ્સ પર સૌથી ઉંચી 4.80 કરોડ રૂપિયાની બોલી લાગી હતી. તે લંડન સ્પીરીટ ટીમમાં સામેલ થયો હતો જ્યારે આફ્રિકી કેપ્ટન એડન માર્કરમ સૌથી મોંઘો વિદેશી ખેલાડી બન્યો હતો. તે 2.46 કરોડમાં માંચેસ્ટર સુપર જાયન્ટસમાં સામેલ થયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક