• શનિવાર, 14 માર્ચ, 2026

અમેરિકા સાથે ટ્રેડ ડીલ અટક્યાનો દાવો નકારતી સરકાર

સરકારે કહ્યું, વેપાર સમજૂતી માટે વાટાઘાટો હજી ચાલી રહી છે

 

નવી દિલ્હી, તા.13: ભારત અને અમેરિકા વચ્ચેની વેપાર સમજૂતી ફરીથી લાંબા સમય માટે રોકી દેવામાં આવી હોવાનાં અહેવાલો બાદ કેન્દ્ર સરકારે આ અહેવાલને નકારી કાઢ્યા હતાં. વાણિજ્ય મંત્રાલય તરફથી આવપામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, બન્ને દેશ વચ્ચે હજી આ સંધિ માટે વાટાઘાટો ચાલી રહી છે. મીડિયામાં ટ્રેડ ડીલ અટકાવી દેવામાં આવી હોવાનાં અહેવાલોમાં કોઈ તથ્ય નથી.

ઉલ્લેખનીય છે કે, રોયટર્સનાં એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ફેબ્રુઆરીમાં અમેરિકાની સુપ્રીમ કોર્ટ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનાં પ્રશાસને લાદેલા ટેરિફને ગેરકાયદે ઘોષિત કરી દેવામાં આવ્યા બાદ ભારત અને અમેરિકાની ટ્રેડ ડીલની ગતિ મંદ પડી છે.

ચાર અધિકારીઓનાં હવાલેથી અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આ ટ્રેડ ડીલ હવે આગામી ઘણાં માસ માટે ટળી શકે છે. જો કે વાણિજ્ય મંત્રાલયે આ દાવો ફગાવી દીધો છે. ટ્રેડ ડીલ સંબંધિત આ અહેવાલ એવા સમયે આવ્યા હતાં જ્યારે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીન સહિતનાં આશરે 60 દેશ વિરુદ્ધ કથિત રૂપે અનફેર ટ્રેડ પ્રેક્ટિસ એટલે કે, અનુચિત વેપાર વ્યવહારની તપાસ ફરીથી શરૂ કરાવી નાખી છે. આ તપાસનાં કેન્દ્રમાં આયાતમાં કથિત ફોર્સ્ડ લેબરનાં ઉપયોગ રહેવાની વાત છે. આ ઉપરાંત 16 મુખ્ય વ્યાપારી ભાગીદાર દેશો સામે અતિરિક્ત ઔદ્યોગિક ક્ષમતા સંબંધિત તપાસ પણ શરૂ કરવામાં આવી હોવાનું કહેવાય છે.

ઇ-પેપરના નવા શુલ્ક