સુરત, તા. 13 : સુરતના નાનપુરા
વિસ્તારમાંથી મહારાષ્ટ્રના નંદુરબારના એક દંપતીએ 4 મહિનાની બાળકીનું અપહરણ નાસી ગયા
હતા. જે અંગે જાણ થતા જ તાતાકાલિક અઠવાલાઈન્સ પોલીસ અને ક્રાઈમબ્રાંચની ટીમે કાર્યવાહી
હાથધરી 1500થી વધુ સીસીટીવી કેમેરા તપાસી આરોપી દંપતીને ઝડપી પાડયું છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ
મૂળ દાહોદના વતની અને હાલ સુરતમાં ફૂટપાથ પર રહી મજૂરી કરતા નીતાબેન ચંદાણા પોતાની
3 માસ અને 23 દિવસની બાળકીને લઈને ગત.11 માર્ચે સવારે નાનપુરા મટન માર્કેટ પાસે બેઠા
તે વેળાએ એક અજાણ્યું દંપતી ત્યાં આવ્યું હતું. અને બાળકીને રમાડવાના બહાને તેમણે માતા
પાસેથી લીધી અને નજર ચૂકવીને ગણતરીની સેકન્ડોમાં ત્યાંથી અદૃશ્ય થઈ ગયા હતા. માતાએ
આસપાસ શોધખોળ કરી, પરંતુ કોઈ પત્તો ન લાગતા આખરે રડતી આંખે અઠવાલાઇન્સ પોલીસ મથકમાં
ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. અઠવાલાઇન્સ પોલીસ,
ક્રાઈમ બ્રાન્ચ અને ઝોન-4 ની ટીમોએ ઓપરેશન શરૂ કરી નાનપુરાથી લઈને ઉધના દરવાજા સુધીના
અંદાજે 1500 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતાં. તપાસ દરમિયાન અઠવાલાઇન્સ
પોલીસના સર્વેલન્સ સ્ટાફને ચોક્કસ કડી મળી કે, આરોપીઓ ટ્રેન માર્ગે બારડોલી તરફ ગયા
હોઈ શકે છે. જેથી તાત્કાલિક પોલીસ અધિકારીઓ જે ટ્રેન સામે આવી તેમાં બેસીને બારડોલી
પહોંચ્યા હતા. બારડોલી રેલવે આઉટ પોસ્ટના જવાનોની મદદ લઈને સ્થાનિક ખબરીઓને સક્રિય
કરવામાં આવતા બાતમી મળી હતી કે, એક દંપતી રેલવે પ્લેટફોર્મના છેડે આવેલી ઝાડીઓમાં છુપાયેલું
છે જ્યારે પોલીસની ટીમે બારડોલીમાં પ્લેટફોર્મ નજીકના વેરાન અને ઝાડી-ઝાંખરાવાળા વિસ્તારમાં
દરોડો પાડયો, ત્યારે માસૂમ બાળકી જમીન પર કીડીઓ અને જીવજંતુઓ વચ્ચે પડી હતી. જેથી પોલીસે
આરોપી મીના વસાવા અને સુનીલ વસાવાને દબોચી લીધા હતા.