• શનિવાર, 14 માર્ચ, 2026

અમેરિકાનાં વિમાન વાહક જહાજ અબ્રાહમ લિંકન ઉપર ઈરાનનો હુમલો!

જહાજમાં નુકસાનનાં અહેવાલ : તહેરાનમાં હુમલાની નવી લહેર શરૂ કરતું ઈઝરાયલ : લેબનોનમાં ઘાતક પ્રહાર, બૈરુત ખાલી કરી નાખવા ચેતવણી

નવી દિલ્હી, તા.13: મધ્ય એશિયામાં ચાલતી ભીષણ લડાઈમાં ઈરાને દાવો કર્ય છે કે, તેની સેના ઈસ્લામિક રિવોલ્યુશ્નરી ગાર્ડે આજે અમેરિકાનાં વિમાનવાહક જહાજ અબ્રાહમ લિંકન ઉપર હુમલો કર્યો છે અને તેમાં જહાજમાં સારા એવા પ્રમાણમાં નુકસાન થયું છે. જો કે અમેરિકાએ તેનાં આ દાવાનું ખંડન કર્યું હતું. જો ઈરાન આ હુમલો કરવામાં સફળ થયું હોય તો અમેરિકી સૈન્ય તાકાતની પ્રતિષ્ઠાને આ સૌથી મોટી ચોટ છે.

ઈરાને કહ્યું હતું કે, ઈરાનથી આશરે 340 કિ.મી. દૂર સમુદ્રમાં અમેરિકાનાં યુદ્ધ જહાજ અબ્રાહમ લિંકન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ઈરાનનાં મીડિયાનાં અહેવાલ અનુસાર અબ્રાહમ લિંકનની સાથે અન્ય જહાજોને પણ ઝડપથી નીકળી જતાં જોવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર ઈરાનનું જહાજ અમેરિકાનાં અબ્રાહમ લિંકન જહાજની નજીક પહોંચી ગયું હતું અને અમેરિકી સેનાએ તેનાં ઉપર ફાયરિંગ શરૂ કર્યા હતાં.

દરમિયાન ઈઝરાયલની સેનાએ ઈરાનનાં પાટનગર તહેરાનમાં મિસાઈલ મારાની નવી લહેર શરૂ કરવાની ઘોષણા કરવાં સાથે લેબનોનમાં ચાલતા હુમલા વચ્ચે લોકોને રાજધાની બૈરુત શહેર ખાલી કરી જવાની ચેતવણી પણ આપી હતી.

બીજીબાજુ ઓમાનનાં સોહાર પ્રાંતમાં ડ્રોન હુમલામાં બે લોકોનાં મૃત્યુ થયા હતાં. જો કે ઓમાનની સરકારી એજન્સીનાં જણાવ્યા અનુસાર કેટલાક ડ્રોન તોડી પણ પાડવામાં આવ્યા હતાં. તો સાઉદી અરેબિયાએ પણ ઈરાનનાં વધુ આઠ ડ્રોનને ધ્વસ્ત કરી નાખ્યા હોવાનું જાહેર કર્યું હતું.

અમેરિકી કંપની ઉપર ઈરાની હેકર ગ્રુપનો સાઈબર એટેક

બે લાખથી વધારે ડિવાઈસ ઠપ : મિનાબ સ્કુલ ઉપર હુમલાનો બદલો લીધાનો દાવો

તેહરાન, તા. 13 : આધુનિક યુદ્ધ હવે માત્ર મિસાઈલ, ડ્રોન અને હવાઈ હુમલા સુધી સીમિત રહ્યું નથી. સાઈબર હુમલા માટે મોટું હથિયાર બની રહ્યા છે. અમેરિકા-ઈઝરાયલ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાનથી જોડાયેલા એક હેકર સમુહે અમેરિકાની મોટી મેડિકલ ટેક્નોલોજી કંપની ઉપર સાઈબર હુમલો કર્યાનો દાવો થયો છે. જેનાથી બે લાખથી વધારે કોમ્પયુટર, સર્વર અને મોબાઈલ ડિવાઈસ પ્રભાવિત થયા હતા. આ હુમલાથી કંપનીના ઘણા વૈશ્વિક કામકાજ પણ થોડો સમય માટે ઠપ થયા હતા. સ્ટ્રાઈકર નામની અમેરિકી મેડિકલ ટેક્નોલોજી કંપની ઉપર 11મી માર્ચના રોજ સાઈબર હુમલો થયો હતો. કંપનીનું મુખ્યાલય મિશિગનમાં છે. રિપોર્ટ અનુસાર હુમલાના કારણે કંપનીના હજારો કોમ્પ્યુટર સિસ્ટમ પ્રભાવિત થઈ હતી અને તેની સાથે ઘણા ઓપરેશન અસ્થાયી રૂપે બંધ થયા હતા. સાઈબર હુમલાની જવાબદારી ઈરાન સાથે જોડાયેલા હેકર સમુહ હંડાલા હેકે લીધી હતી. સમુહે કહ્યું હતું કે ઈરાનની મિનાબ સ્કુલ ઉપર થયેલા હુમલાનો બદલો લેવામાં આવ્યો છે. હેકર સમુહે દાવો કર્યો હતો કે તેણે કંપનીનો 51 ટેરાબાઈટ ડેટા ચોરી લીધો છે. આ સાથે બે લાખથી વધારે સિસ્ટમ, સર્વર અને મોબાઈલ ડિવાઈસ ખરાબ કરી દીધી છે. આ ઉપરાંત વેરિફોન નામની એક પેમેન્ટ કંપનીને પણ નિશાન બનાવવામાં આવી છે.

ફરી દુબઈ નિશાને : ઈરાનના હુમલાથી ઈમારતમાં આગ

તેહરાન, તા. 13 : ઈરાન દ્વારા અમેરિકા અને ઈઝરાયલના હુમલા બાદ ખાડી દેશોમાં રહેલી અમેરિકી છાવણીઓને નિશાન બનાવવામાં આવી રહી છે. દુબઈ, કતર, બહેરીન, કુવૈત જેવી જગ્યાએ ઈરાને ઘણા હવાઈ હુમલા કર્યા છે. શુક્રવારે ફરી એક વખત ઈરાને દુબઈ ઉપર ડ્રોન હુમલો કર્યો હતો. જેનાથી ઈમારતમાં આગ લાગી હતી. છેલ્લા 14 દિવસના યુદ્ધમાં દુબઈ ઉપર ઈરાન ઘણા હવાઈ હુમલા કરી ચૂક્યું છે. જેનાથી ત્યાં રહેતા લોકોમાં ભય છે. સ્થાનિકો અનુસાર હુમલાના કારણે શેખ જાયદ રોડ ઉપર સાયરન શરૂ થયા હતા. એક સમયે પૂરી ઈમારત ધ્રુજી રહી હોવાનો અનુભવ થયો હતો. સોશિયલ મીડિયા ઉપર આ હુમલાના વીડિયો ફરી રહ્યા છે.

ઓમાનમાં ડ્રોન હુમલામાં બે ભારતીયનાં મૃત્યુ

મસ્કત નજીકના સોહાર શહેરમાં બનેલી ઘટના: 10 અન્ય ભારતીયને પહોંચી ઈજા

નવી દિલ્હી,  તા.13 : ઈરાન યુદ્ધથી અશાંત બનેલા મધ્ય-પૂર્વમાં ઓમાનના સોહાર શહેરમાં ઈરાનના ડ્રોન વડે થયેલા એક ભીષણ હુમલામાં બે ભારતીય નાગરિકનાં મોત થયાં હતાં જ્યારે 10 અન્ય લોકોને ઈજા પહોંચી હોવાનું વિદેશ મંત્રાલયે આજે જણાવ્યું હતું.

આ ઘટના અંગે વિગતો આપતાં અધિક સચિવ (ગલ્ફ) અસીમ આર. મહાજને જણાવ્યું હતું કે આ હુમલામાં કુલ 11 લોકોને ઈજા પહોંચી હતી જેમાં 10 ભારતીય નાગરિક છે. ઘાગલ થયેલા લોકોમાંથી પાંચને પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જ્યારે બાકીના પાંચ હજુ સારવાર હેઠળ છે. મહાજને જણાવ્યું હતું કે મસ્કત નજીકના સોહાર શહેરમાં થયેલા હુમલામાં બે ભારતીય નાગરિકનાં મોત થયાં હતાં. અમે તેમના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. ઈજાગ્રસ્તોમાંથી 10 ભારતીય છે. તેમાંથી પાંચને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે જ્યરારે પાંચ હજુ સારવાર હેઠળ છે. જોકે, કોઈને ગંભીર ઈજા પહોંચી હોવાના અહેવાલ નથી. અમારો દૂતાવાસ સંબંધિત કંપની અને સ્થાનિક સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે અને તમામ જરૂરી મદદ પૂરી પાડી રહ્યું છે.

દરમ્યાન, અલ જઝીરાના અહેવાલ અનુસાર ઓમાનની સરકારી સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે આજે સવારે એક ડ્રોન અલ-અવાહી ઔદ્યોગિક વિસ્તારમાં ત્રાટક્યું હતું જેમાં બે વિદેશી નાગરિકનાં મોત થયાં હતાં.

ઇ-પેપરના નવા શુલ્ક