શુભમન ગિલના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા ટક્કર માટે તૈયાર : રોહિત-કોહલી ઉપર રહેશે નજર
નવી
દિલ્હી, તા. 18 : ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે રવિવારે પર્થમાં પહેલા વનડે મેચમાં રમવા
ઉતરશે ત્યારે વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથે વનડે પ્રારુપમાં કેપ્ટન બનેલા શુભમન
ગિલ ઉપર પણ નજર રહેશે. માર્ચમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમ્યા બાદ કોહલી અને રોહિત ભારતીય
ટીમમાં પરત ફર્યા છે. ગયા સાત મહિનામાં ભારતીય ક્રિકેટની તસવીર જ બદલી છે. આ દરમિયાન
ટી20 અને ટેસ્ટ પ્રારુપમાં ભારતીય ટીમ કોહલી અને રોહિત વિના આગળ વધતા શીખી ગઈ છે.
રોહિત
શર્મા અને વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી માટે આકરી મહેનત કરી છે. રોહિતે
તો ઘણું વજન પણ ઘટાડયું છે. જ્યારે કોહલી લંડનમાં અંગત ટ્રેનર સાથે ફિટનેસ ઉપર કામ
કરી રહ્યો હતો. આઈપીએલ બાદ બન્ને ક્રિકેટ રમ્યા નથી. તેવામાં ઓસ્ટ્રેલિયા સામેના મુકાબલા
પડકારજનક બની શકે છે. બન્ને માટે એક વાત સારી છે કે ઓસ્ટ્રેલિયા સામે વાપસી થઈ રહી
છે અને બન્નેનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયા સામે સારો રહ્યો છે. આ શ્રેણી મારફતે રોહિત અને
કોહલીની કારકિર્દીની દિશા નક્કી થઈ શકે છે.
ઓસ્ટ્રેલિયા
સામે પહેલો મુકાબલો રવિવારે પર્થમાં રમાવાનો છે. જેમાં શુભમન ગિલ કમાન સંભાળશે. ઓસ્ટ્રેલિયાની
ધરતી ઉપર મેચ જીતવો સરળ નથી રહ્યો. અહિયાં ટીમને પુરી મહેનત કરવી પડે છે. ભારત અને
ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યારસુધીમાં કુલ 152 વનડે રમાયા છે. જેમાં ઓસ્ટ્રેલિયાનું પલડું
ભારે રહ્યું છે. કંગારુ ટીમે 84 મેચ જીત્યા છે જ્યારે ભારતે 52 મેચમાં બાજી મારી છે.
10 મેચનું કોઈ પરિણામ આવી શક્યું નથી. બન્ને ટીમ વચ્ચે અંતિમ વનડે માર્ચમાં આઈસીસી
ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન રમાયો હતો. જે સેમીફાઈનલ હતો. રોહિતની આગેવાનીની ભારતીય
ટીમે દુબઈના મેદાન ઉપર ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવી હતી.
ભારતનો
ઓસ્ટ્રેલિયામાં વનડે રેકોર્ડ થોડો ડરાવે તેવો છે. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાની ધરતી
ઉપર અત્યારસુધીમા 54 વનડે રમ્યા છે. જેમાંથી માત્ર 14માં જીત મેળવી છે અને 38 મેચ ગુમાવ્યા
છે. બે મેચમાં કોઈ પરિણામ આવ્યું નહોતું. ભારતે ઓસ્ટ્રેલિયામાં અંતિમ વનડે શ્રેણી
2020મા રમી હતી. આ શ્રેણી ઓસ્ટ્રેલિયાએ 2-1થી પોતાના નામે કરી હતી. આ સમયે કોહલી કેપ્ટન
હતો.