જૂની અદાવતમાં શરૂ થયેલો વિવાદ પથ્થરમારા અને હુમલામાં ફેરવાઈ ગયો હતો : પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી મામલો થાળે પાડયો
અમદાવાદ,
તા.18: પ્રાંતિજના મજરાગામમાં એક ધાર્મિક કાર્યક્રમને લઈને બે જૂથો વચ્ચે ઉગ્ર અથડામણ
થયા બાદ હિંસાનું તાંડવ સર્જાયું હતું. આ મામલે પોલીસ સ્થળ પર પહોંચી મામલો થાળે પાડી
1ર0 લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
મજરા
ગામમાં શુક્રવારે રાત્રે એક ધાર્મિક કાર્યક્રમને લઈને બે જૂથો વચ્ચે ઉગ્ર અથડામણ થતા
હિંસાનું તાંડવ સર્જાયું હતું. નજીવી બાબત અને જૂની અદાવતમાં શરૂ થયેલો વિવાદ જોતજોતામાં
પથ્થરમારા અને હુમલામાં ફેરવાઈ ગયો હતો. આ હિંસક અથડામણમાં લગભગ ર0 જેટલા ગ્રામજનોને
નાની-મોટી ઈજાઓ પહોંચી છે, આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસે ઘટનાસ્થળે પહોંચી
મામલો થાળે પાડયા બાદ 1ર0 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે.
પોલીસે
હિંસા આચરનારા અસામાજીક તત્વો વિરૂદ્ધ 60 જેટલા લોકોની નામજોગ ફરિયાદ અને અન્ય પ0 જેટલા
લોકો સહિત કુલ 110થી વધુના ટોળા સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસે આ મામલે
ર0 લોકોની અટકાયત પણ કરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે અન્ય આરોપીઓની ધરપકડની કાર્યવાહી
શરૂ કરી દીધી છે. હાલ ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં
આવ્યો છે. તોફાની બનેલા 110થી વધુના ટોળાએ હિંસક બનીને ગામમાં રહેલી મિલકતોને ભારે
નુકશાન પહોંચાડયુ હતું. હુમલાખોરોએ એકજ કોમના લોકોને નિશાન બનાવીને તેમના વાહનો અને
રહેણાંક મકાનો પર હુમલો કર્યો હતો. નજીવી બાબત અને જૂની અદાવતમાં શરૂ થયેલો વિવાદ જોતજોતામાં
પથ્થરમારા અને હુમલામાં ફેરવાઈ ગયો હતો. આ હુમલામાં કુલ 26 કાર, પ1 બાઈક, 6 ટેમ્પો
(ર મોટા અને 4 મિની) અને 3 ટ્રેકટર સહિત 96થી વધુ વાહનોમાં આગચંપી અને વ્યાપક તોડફોડ
કરવામાં આવી હતી. આ ઉપરાંત 10 જેટલા મકાનોને પણ ભારે નુકશાન પહોંચાડવામાં આવ્યુ હતું,
જેના કારણે કરોડોનું મોટું નુકસાન થયું છે.