• રવિવાર, 19 ઑક્ટોબર, 2025

મોરબી : છરીની અણીએ લૂંટ ચલાવનાર ઝડપાયો, 5.55 લાખનો મુદ્દામાલ જપ્ત

મોરબી, તા.18: મોરબીના શનાળા બાયપાસ નજીક આંગડીયા પેઢીમાંથી રૂપિયા ઉપાડી બાઈકમાં જતા યુવાન સાથે બાઈક અથડાવી ઈજાના બહાને હોસ્પિટલ લઈ જવાનું કહીને છરી દેખાડી રૂા.85,000 બળજબરીથી પડાવી એક ઈસમ નાસી ગયો હતો. પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લઈને છરી અને રોકડ રૂા.5100નો મુદામાલ જપ્ત કર્યો છે.

મોરબીના કંડલા બાયપાસ દલવાડી સર્કલ પાસે રહેતા દેવમભાઈ વિકાસભાઈ રિયા વાળાએ અજાણ્યા માણસ વિરૂદ્ધ લૂંટની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં પોલીસે શહેરમાં લગાવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરતા માસ્ક પહેરી હાથમાં કાળા મોજા પહેરી આંટા મારતો એક ઈસમ જોવા મળ્યો હતો. જેના પર વોચ ગોઠવી હતી અને બાતમીદારો મારફતે બાતમી મળતા જુના બસ સ્ટેન્ડ પાસે ધરતી ટાવર પાસે ઈસમ આવતા તેને પકડી પોલીસ મથક લઈ જવામાં આવ્યો હતો.

ઈસમની સઘન પુછપરછ કરતા ભાડેથી રાજકોટથી કાર લઈને આવી લૂંટ અને ચોરીને અંજામ આપવાનો હતો. જે કાર શનાળા ગામ પાસે સંતાડી હોવાનું જણાવ્યું હતું. જેથી બલેનો કાર કબજે કરી તેમજ છરી અને રૂા.5100 કબજે લઈને આરોપી રાજકોટના 24 વર્ષીય ઈમરાન હાસમ કાદરીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલો આરોપી રીઢો ગુનેગાર છે જે અગાઉ રાજકોટના ભક્તિનગર પોલીસ મથક, માલવીયાનગર પોલીસ સ્ટેશન, રાજકોટ કુવાડવા પોલીસ સ્ટેશન, રાજકોટ એ ડિવીઝન તેમજ અમદાવાદ સેટેલાઈટ પોલીસ મથક સહિતના 16 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. પોલીસે કુલ રૂ.5,55,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક