સુરત તા. 18 : સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી શ્રીનાથ નગર સોસાયટીમાં રહેતો અને ઉધના રોડ નંબર છ પર આવેલા જરીના કારખાનામાં નોકરી કરતો દિલીપ સુનિલ જમા દાર(ઉ.19) ગતરોજ નોકરી પરથી પરત ફરતી વખતે રેલવે પટરી નજીકથી પસાર થઈને પોતાના ઘરે જઈ રહ્યો હતો. તે વેળાએ કેટલાક અજાણ્યા શખસોએ તેને રોકીને તેના મોબાઈલની લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. દિલીપે આ લૂંટનો પ્રતિકાર કરતાં, હુમલાખોરોએ તેના પર ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા દિલીપનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યુ હતું. હત્યાની જાણ થતાં જ મૃતક દિલીપના પરિવારજનો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા.
ઘટના
અંગે જાણ થતા તાત્કાલિક ડિંડોલી પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
હત્યાની ઘટનાથી ઉશ્કેરાયેલા લોકોએ ન્યાયની માગ સાથે મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ
માટે હોસ્પિટલ લઈ જવાનો ઇનકાર કરી પોલીસ સાથે ઉગ્ર વ્યવહાર શરૂ કર્યો હતો. રોષે ભરાયેલા
લોકો વચ્ચે ભીડમાંથી કોઈએ પથ્થરમારો કરતાં, એક પોલીસ કર્મીના માથામાં ઈજા થઈ હતી. સ્થિતિ
વણસતી જોઈને સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. ડીસીપી
રાજેશ પરમાર અને એસીપી દીપ વકીલની સમજાવટ અને કડક કાર્યવાહીના આશ્વાસન બાદ આખરે પરિવારજનો
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા.