જસદણની રહેવાસી યુવતી રાજકોટમાં ધાર્મિક પ્રસંગમાંથી પરત ફરતી હતી
રાજકોટ,તા.31 : શહેરમાં ભારે વાહનોની બેફામ દોડધામ ફરી એકવાર એક નિર્દોષ યુવતીના જીવન પર પૂર્ણવિરામ મૂકી ગઈ છે. શહેરના જૂના માર્કાટિંગ યાર્ડ નજીક આજે બપોરે ખાનગી લક્ઝરી બસે એક્ટિવાને ટક્કર મારતાં 24 વર્ષીય દિપાલી ચૌહાણનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.
મૂળ જસદણની રહેવાસી દિપાલી રાજકોટમાં પોતાના ફોઈના ઘરે યોજાયેલા સત્યનારાયણ કથાના પ્રસંગમાં હાજરી આપવા આવી હતી. ધાર્મિક કાર્યક્રમ પૂર્ણ કરીને તે એક્ટિવા પર પરત ફરી રહી હતી, ત્યારે જૂના માર્કાટિંગ યાર્ડ નજીક પૂરપાટ ઝડપે દોડી રહેલી લક્ઝરી બસે તેને અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે દિપાલીને બચાવવાનો કોઈ અવકાશ જ રહ્યો નહીં. અકસ્માતની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ અને પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી હતી. પોલીસે બસ ચાલકની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી છે. દિપાલીના મૃત્યુથી પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડયો છે. એક ધાર્મિક પ્રસંગમાં ખુશીઓ વહેંચવા આવેલી યુવતીની અંતિમ સફર આ રીતે પૂર્ણ થશે, તેની કલ્પના પણ કોઈએ કરી ન હતી.
વિસ્તાર અકસ્માત માટે ‘હોટસ્પોટ’ બની ગયો
રાજકોટના રસ્તાઓ પર વધતા અકસ્માતો હવે માત્ર આંકડા નથી, પરંતુ અનેક પરિવારોની વેદનાભરી કહાની બની રહ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, વિસ્તારમાં હાઈવેનું કામ ચાલી રહ્યું હોવાથી ભારે વાહનોની અવરજવર સતત વધી રહી છે. તેમ છતાં ઝડપ નિયંત્રણ અને સલામતીના પૂરતા પગલાં ન લેવાતા આ વિસ્તાર અકસ્માત માટે ‘હોટસ્પોટ’ બની ગયો છે. પ્રશ્ન એ છે કે દરેક દુર્ઘટના બાદ કાર્યવાહી અને વચનોની વાતો થાય છે, પરંતુ નિર્દોષ લોકોના જીવ જતાં અટકતા કેમ નથી?