• ગુરુવાર, 16 જુલાઈ, 2026

સેમીકોન-2.0 : 1.27 લાખ કરોડની ફાળવણી


કેન્દ્રીય કેબિનેટમાં 2.19 લાખ કરોડનાં વિકાસ કામોને મંજૂરી : ઘરેલુ સ્તરે મોબાઇલ ઉત્પાદન, ખાતર અને સડક-રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત મહત્ત્વના પ્રોજેક્ટને લીલીઝંડી

 

નવી દિલ્હી, તા. 15 : કેન્દ્ર સરકારે દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસને નવી ઊંચાઈ આપવા માટે અત્યારસુધીના સૌથી મોટા રોકાણ પ્રસ્તાવોમાંથી એકને લીલીઝંડી આપી છે. બુધવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મોટા નિર્ણયો લેવાયા હતા. જેની ઘોષણા કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી હતી. દેશને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા અને કનેક્ટિવિટીને સુગમ બનાવવાના હેતુથી કેબિનેટે કુલ 2,19,353 કરોડ રૂપિયાના કુલ બજેટના સાત પ્રસ્તાવ મંજૂર કર્યા હતા. જેમાં બનારસમાં ગંગા કિનારે એલિવેટેડ કોરિડોર, સેમીકોન 2.0 અને મોબાઇલ ફોન ઉત્પાદન સંબંધિત યોજના સામેલ છે.

કેબિનેટ બેઠકમાં સૌથી મોટો હિસ્સો દેશને ટેક્નોલોજીની દૃષ્ટિએ આત્મનિર્ભર બનાવવા અપાયો છે. ભારતને વૈશ્વિક ચિપ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગનું મોટું કેન્દ્ર બનાવવા માટે કેબિનેટે 1,27,500 કરોડ રૂપિયાના અભૂતપૂર્વ બજેટ સાથે ‘સેમીકંડક્ટર 2.0’ યોજનાને મંજૂરી આપી છે જ્યારે ભારતમાં ઘરેલૂ સ્તરે મોબાઇલ હેન્ડસેટના ઉત્પાદનને વધારે રફતાર આપવા માટે 62,500 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર થયું છે.

આ ઉપરાંત કેન્દ્રીય કેબિનેટે એનએચ-19 અને વારાણસી રિંગ રોડ વચ્ચે 14,447.64 કરોડની પડતરથી બનનારા ગ્રીનફીલ્ડ એલિવેટેડ કોરિડોરને મંજૂરી આપી હતી તેમજ વરુણા નદીના કિનારે છ અને ચાર લેનનો એલિવેટેડ કોરિડોર બનાવવામાં આવશે. જેના માટે 10,998 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી કે કૃષિ ક્ષેત્રમાં ખાતરની ઉપલબ્ધતા અને ઘરેલુ વિનિર્માણને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય રોકાણ નીતિ -2026ને કેબિનેટમાંથી મંજૂરી મળી છે. આ ઉપરાંત ઔદ્યોગિક માલને હેરફેરને ઝડપી કરવાના હેતુથી ઓરિસ્સાના રેલ માર્ગ ડબલ ટ્રેક કરવા 2542 કરોડ ફાળવાયા છે જ્યારે ડોગોઆપોસી-રાજખરસાવાં વચ્ચે ચોથી લાઇન 1365 કરોડના ખર્ચે પાથરવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક