રશિયા ઉપર આર્થિક પ્રતિબંધો માટે વિધેયક : ભારત સહિતના પાંચ દેશો ઉપર ભારેખમ ટેરિફ નાખવાની દરખાસ્ત
નવીદિલ્હી, તા.1પ : રશિયા પાસેથી ભારતની ક્રૂડ ઓઇલ ખરીદીને અવરોધવા માટે અમેરિકા ફરીથી દબાણ કરવાં ઉપર ઉતરી આવ્યું છે. અમેરિકી સેનેટમાં રશિયા ઉપર નવા કડક આર્થિક પ્રતિબંધો લગાડવા માટે એક નવું વિધેયક પેશ કરવામાં આવ્યું છે. જેમાં ભારત સહિતના પાંચ દેશ ઉપર વધારાનો ટેરિફ નાખવા માટેની દરખાસ્ત પણ છે. જો કે આ વિધેયક હજી કાયદો બન્યું નથી. તે લાગુ થતાં પહેલાં અમેરિકી સેનેટ, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ અને પછી રાષ્ટ્રપતિની મંજૂરી બાદ લાગુ થઈ શકશે. અગાઉ અહેવાલ હતાં કે આમાં રિશિયા પાસેથી ઓઇલ ખરીદતા દેશો ઉપર પ00 ટકા જેટલો તોતિંગ ટેરિફ નાખવામાં આવશે. જો કે હવે આમાં એવા અહેવાલો પણ આવી રહ્યા છે કે, આ ટેરિફ પ00 ટકા નહીં બલકે 100 ટકા રહેશે.
આ બિલ ડેમોક્રેટ અને રિપબ્લિકન પાર્ટી, બન્ને દળોના સાંસદોએ સાથે મળીને રજૂ કરેલું છે. આ પગલાંને રશિયાનાં અર્થતંત્ર ઉપર મોટું દબાણ લાદવાની કોશિશ તરીકે જોવામાં આવે છે. આમાં ભારત, ચીન, સ્લોવાકિયા, હંગેરી અને અઝરબૈજાનને એવા દેશોની યાદીમાં ગણાવાયા છે જે રશિયા પાસેથી ઓઇલ ખરીદે છે. આ પાંચેય દેશ ઉપર કેટલો ટેરિફ નાખવામાં આવશે તે હજી અસ્પષ્ટ છે પણ બિનસત્તાવાર સૂત્રો આ ટેક્સ 100 ટકા જેટલો રહે તેવી અટકળો લગાવી રહ્યા છે. આ બિલમાં એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે કે, રશિયાને ઝટકો આપવા માટે જરૂર પડયે અમેરિકાના વ્યાપાર પ્રતિનિધિ ટેરિફનો દર નક્કી કરી શકશે.
આ વિધેયકનાં મુખ્ય પ્રસ્તાવક સેનેટર રિચાર્ડ બ્લૂમેંથલે કહ્યું હતું કે, ટેરિફ એટલો ચોક્કસ રાખવામાં આવશે કે જેનાથી રશિયા પાસેથી ઓઇલ ખરીદતા દેશોને પોતાની નીતિ બદલવા માટે મજબૂર થવું પડશે. આ બિલમાં કેટલાક કિસ્સામાં રાહત આપવાનો અધિકાર પણ રાષ્ટ્રપતિને આપવામાં આવેલો છે. જો કે ભવિષ્યમાં કોઈ દેશ ઉપર લગાડવામાં આવેલો ટેરિફ ઘટાડવામાં આવે તો તેની જાણકારી અમેરિકી સંસદને આપવી પડશે. આ વિધેયકનો વ્યાપ પહેલા બૃહદ હતો અને તેમાં 60 જેટલા દેશોને જોડવામાં આવ્યા હતા પણ પછીથી તેમાં ફક્ત એવા દેશો ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જે રશિયા પાસેથી મોટા પ્રમાણમાં અને અન્ય દેશો કરતાં વધુ ઊર્જા ખરીદે છે.
અમેરિકાનાં સોનાનાં સિક્કા ઉપર ટ્રમ્પનું ચિત્ર
અમેરિકાની આઝાદીને 250 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આ અવસરે અમેરિકી સરકાર ડોલરનો સોનાનો સિક્કો જારી કરવા જઈ રહી છે. આ સિક્કા ઉપર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તસ્વીર રહેશે. આ એક પ્રકારનો સ્મૃતિચિહ્ન ગોલ્ડ કોઈન રહેશે. જો કે આ સિક્કા ઉપર ટ્રમ્પની તસ્વીરથી અમેરિકામાં વિવાદ પણ થઈ ગયો છે. પરંપરાગત ધોરણે કોઈપણ જીવિત રાષ્ટ્રપતિનું ચિત્ર મુદ્રા ઉપર છાપવામાં આવતું ન હોવાથી સરકારનાં આ પગલાની આલોચના થઈ રહી છે.
હોર્મુઝમાં 20 ટકા રક્ષા શુલ્ક વસૂલવાનાં નિર્ણયમાં પલટી ગયા ટ્રમ્પ
24 કલાકમાં જ ગુલાંટ મારી: હવે ખાડી દેશો સાથે વેપાર કરારની વાતો માંડી
નવી દિલ્હી, તા.1પ: અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનાં ચિત્રવિચિત્ર નિર્ણયોની દુનિયાને ચોંકાવવા માટે ઓળખાય છે અને આ વખતે ફરી એકવાર તેમણે આવું જ કંઈક કર્યુ છે. હોર્મુઝમાંથી પસાર થતાં જહાજો પાસેથી 20 ટકા પ્રોટેક્શન ફી એટલે કે રક્ષા શુલ્ક વસૂલવાની ઘોષણા કરીને ટ્રમ્પે 24 કલાકમાં જ નિર્ણય ફેરવી તોળ્યો છે.
સોમવારે ટ્રમ્પનાં જે નિર્ણયે દુનિયાભરનાં બજારોમાં ખળભળાટ મચાવી દીધો હતો તેને મંગળવારે રદ કરી નાખતાં ટ્રમ્પે નવો દાવ ખેલ્યો હતો. હવે ટ્રમ્પ કહે છે કે, તેઓ આ ટેક્સની જગ્યાએ ખાડી દેશો સાથે ઐતિહાસિક અને વ્યાપક વેપાર કરાર કરશે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટમાં આની જાણકારી આપતાં કહ્યું હતું કે, મધ્યપૂર્વનાં નેતાઓ સાથે ખુબ જ સકારાત્મક વાતચીત બાદ તેમણે 20 ટકા ફી વસૂલવાનાં નિર્ણયને બદલવાનો ફેંસલો કર્યો છે. આનાંથી ખાડી દેશો અમેરિકામાં મોટાપાયે વેપાર અને રોકાણ કરશે.