• ગુરુવાર, 16 જુલાઈ, 2026

ફીફા વર્લ્ડ કપમાં સ્પેન ફાઇનલમાં : હોટ ફેવરિટ ફ્રાંસ ક્રેશ આઉટ

2-0 ગોલથી શાનદાર જીત મેળવી સ્પેન 16 વર્ષ બાદ ખિતાબી મુકાબલામાં પહોંચ્યું

ડલાસ, તા.1પ: ફીફા વર્લ્ડ કપ-2026ના પ્રથમ સેમિ ફાઇનલમાં ખિતાબની પ્રબળ દાવેદાર ટીમ ફ્રાંસ વિરુદ્ધ 2-0 ગોલથી શાનદાર વિજય હાંસલ કરી સ્પેન ટીમે ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જ્યાં તેની ટક્કર આર્જેન્ટિના-ઇંગ્લેન્ડ વચ્ચેના બીજા સેમિ ફાઇનલ મેચની વિજેતા ટીમ સામે રવિવારે રાત્રે થશે. સ્પેનનો ફૂટબોલ વિશ્વ કપના ઈતિહાસમાં બીજીવાર ફાઇનલમાં પ્રવેશ થયો છે. તેણે 16 વર્ષ બાદ ખિતાબી મુકાબલામાં જગ્યા બનાવી છે. આ પહેલા 2010માં દ. આફ્રિકામાં રમાયેલ ફીફા વર્લ્ડ કપમાં સ્પેન ફાઇનલમાં પહોંચ્યું હતું અને નેધરલેન્ડને હાર આપી ચેમ્પિયન બન્યું હતું. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે સ્પેન હાલ યૂરો કપ ચેમ્પિયન પણ છે અને હવે તેની પાસે ડબલ ટાઇટલ જીતવાનો મોકો છે. યૂરો કપ-2024ના સેમિમાં સ્પેનનો ફ્રાંસ વિરુદ્ધ 2-1 ગોલથી વિજય થયો હતો અને ફાઇનલમાં ઈંગ્લેન્ડને હાર આપી હતી.

ડલાસ સ્ટેડિયમમાં રમાયેલ ફીફા વર્લ્ડ કપના સેમિ ફાઇનલમાં સ્પેન ટીમનો દેખાવ ફ્રાંસથી વધુ પ્રભાવશાળી રહ્યો હતો. બોલ પોઝિશનથી લઇને તમામ મોરચે સ્પેન ટીમ છવાઇ ગઇ હતી. મેચની 22મી મિનિટે સ્પેનને પેનલ્ટી મળી હતી. જે મોકો મિકેલ ઓયરજાબલે ગુમાવ્યો ન હતો અને રોકેટ કિકથી ગોલ કરી સ્પેનને 1-0થી આગળ કરી દીધું હતું. પહેલા હાફની સરસાઇ બાદ બીજા હાફમાં પણ સ્પેનનો દબદબો રહ્યો હતો. પ8મી મિનિટે પેડ્રો પોરોએ શાનદાર ફિલ્ડ ગોલ કરીને સ્પેનની સરસાઇ 2-0 કરી દીધી હતી.

આ પછી કેપ્ટન એમ્બાપે સહિતના ફ્રાંસના તમામ ખેલાડીઓએ ગોલ કરવાની ભરચક કોશિશ કરી હતી, પણ તેઓ સ્પેનના ડિફેન્સને ભેદી શક્યા ન હતા. આથી સ્પેનનો 2-0થી વિજય થયો હતો અને ફાઇનલમાં જગ્યા બનાવી હતી જ્યારે હોટ ફેવરિટ ફ્રાંસ વર્લ્ડ કપમાંથી ક્રેશ આઉટ થયું હતું. ફ્રાંસ ટીમ હવે ત્રીજા સ્થાન માટેનો મેચ શનિવાર રાત્રે રમશે. જેમાં તેની સામે બીજા સેમિની પરાજિત ટીમ હશે.

ઇ-પેપરના નવા શુલ્ક