• બુધવાર, 01 મે, 2024

યુસીસી રોકીશું, સીએએ ખતમ કરીશું: તૃણમૂલનો ચૂંટણી ઢંઢેરો

મફત ગેસ સિલિન્ડરથી લઈને રોજગાર સુધીનાં વચનોની લહાણી

            કરતો તૃણમૂલ કોંગ્રેસ

કોલકતા, તા.17: લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનાં મતદાન આડે હવે બે દિવસ જ બચ્યા છે ત્યારે તમામ રાજકીય દળો એડીચોટીનું જોર લગાવીને પ્રચારમાં વ્યસ્ત બની ગયા છે. ભાજપ અને કોંગ્રેસ બન્ને પ્રમુખ રાષ્ટ્રીય પક્ષો તરફથી પોતાનાં ચૂંટણી ઘોષણાપત્ર જારી કરી દેવામાં આવ્યા બાદ હવે મમતા બેનરજીનાં તૃણમૂલ કોંગ્રેસે પણ ઢંઢેરો જાહેર કર્યો છે. જેને મોદી કી ગેરંટીની તર્જ ઉપર દીદીનું શપથપત્ર જેવું નામ આપવામાં આવ્યું છે.

પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટી તૃણમૂલના નેતા ડેરેક ઓ’બ્રાયન સહિત અનેક વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં સીએએ અને એનઆરસી નાબૂદ કરવાનું- લાગુ નહીં કરવાનું વચન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત રાશન સહિત કલ્યાણકારી યોજનાઓનું વચન આપવામાં આવ્યું છે. બીપીએલ પરિવારોને એક વર્ષમાં 10 સિલિન્ડર આપવાનો પણ વાયદો કરવામાં આવ્યો છે.

પાર્ટીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી, જેમાં લખ્યું છે, ‘અમે લોકસભા ચૂંટણી 2024 માટે અમારો ચૂંટણી ઢંઢેરો જાહેર કરીને ખુશ છીએ. દીદીના શપથ સાથે અમે દરેક ભારતીયને રોજગાર, બધાને ઘર, મફત એલપીજી સિલિન્ડર, ખેડૂતોને ટેકાનાં ભાવ, પછાત વર્ગનાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની ખાતરી આપવાના શપથ લઈએ છીએ. અમે સાથે મળીને ભાજપના જમીનદારોને જડમૂળથી ઉખેડી નાખીશું.’

ઇ-પેપરના નવા શુલ્ક