• શનિવાર, 27 એપ્રિલ, 2024

બ્રિટનનાં મંદિરોની સુરક્ષા વધશે, ઋષિ સુનક 50 કરોડ ફાળવશે

- બ્રિટિશ હિન્દુઓની માગણી બાદ ચૂંટણી પહેલાં ભારતવંશી વડાપ્રધાનની પહેલ

 

લંડન, તા. 28 : બ્રિટનમાં ચૂંટણીના થોડાક મહિના પહેલાં જ ભારતવંશી વડાપ્રધાન સુનકે હિન્દુ મંદિરોની સુરક્ષા વધારવા માટે એક મોટો નિર્ણય કર્યો છે. સુનક સરકાર બ્રિટિશ હિન્દુઓની માગણી બાદ મંદિરોની સુરક્ષા વધારવા માટે 50 કરોડ રૂપિયા ફાળવવા માટે તૈયાર થઈ છે.

બ્રિટિશ સરકારનાં સૂત્રોએ કહ્યું છે કે, ગૃહમંત્રાલય હિન્દુઓનાં ધાર્મિક સ્થળો અને ચર્ચની સુરક્ષા માટે નવી નીતિ બનાવવા માટે કામ કરી રહી છે.

બે વર્ષ પહેલાં બ્રિટિશ સરકારે 300 કરોડ રૂપિયાની ધર્મસ્થળ સુરક્ષા ફન્ડિંગ સ્કીમની જાહેરાત કરી હતી. જે પૈકી મોટા ભાગની રકમ ઇસ્લામિક સંસ્થાઓને મળી જતી હતી. જ્યારે 35 કરોડ રૂપિયા જ બિનમુસ્લિમોને મળતા હતા. જે પૈકી ગુરુદ્ધારાને સાત કરોડ અને હિન્દુ મંદિરોને 2.5 કરોડ રૂપિયા જ મળતા હતા. જેને લઇને બ્રિટનમાં હિન્દુ સમુદાયના લોકો નારાજ હતા.

બ્રિટનમાં 400થી વધુ હિન્દુ મંદિર છે. સરકાર દ્વારા ફાળવવામાં આવેલી રકમથી હિન્દુ મંદિરોમાં સીસીટીવી કેમેરા લગાવાશે. જેમાં 24 કલાક સુરક્ષા કરી શકાશે. પોલીસને હિન્દુ મંદિરો પર હુમલાના મામલાઓને હાથ ધરવા માટે ટ્રાનિંગ અપાશે. 2022માં બ્રિટનના લેન્સેસ્ટરમાં કેટલાક મંદિરોને નિશાન બનાવાયાં હતાં.

 

ઇ-પેપરના નવા શુલ્ક