એફબીઆઇએ પાંચ શકમંદોને પકડયા : વ્હાઇટ હાઉસ ઉપર ડ્રોન હુમલો કર્યા બાદ ટ્રમ્પ સહિતના નેતાઓને સ્નાઇપરથી નિશાને લેવાનું હતું ષડયંત્ર
નવીદિલ્હી,
તા.17 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તેમના જન્મદિને જ હત્યા કરવાના વધુ
એક ખતરનાક કારસાનો પર્દાફાશ થયો છે. ટ્રમ્પના 80મા જન્મદિવસે વ્હાઇટ હાઉસમાં આયોજિત
યુએફસી કેજ ફાઇટિંગ શો દરમિયાન એક મોટા આતંકી હુમલાના કારસાને એફબીઆઇએ વિફળ બનાવી દીધો
હતો. આ ષડયંત્રના શકમંદો વ્હાઇટ હાઉસ ઉપર બારુદથી લાદેલા ડ્રોનથી હુમલો કરવા માગતા
હતા. આ હુમલાને પગલે નાસભાગ અને અફરાતફરી મચે તેનો લાભ ઉઠાવીને આડેધડ ગોળીબાર કરીને
ટ્રમ્પ સહિતના નેતાઓને નિશાન બનાવવાનો કારસો હતો. આ કાવતરામાં સંડોવાયેલા પ શકમંદને
એફબીઆઇએ વિભિન્ન રાજ્યોમાંથી ઝડપી લીધા છે.
એફબીઆઇના
વડા કાશ પટેલે આ કાવતરાની સિલસિલાબદ્ધ વિગતો આપતા કહ્યું હતું કે, જન્મદિવસે જ ટ્રમ્પ
ઉપર હુમલાનો કારસો હતો. અમેરિકી ન્યાય વિભાગ દ્વારા પાંચ લોકો સામે આ કાવતરાનો આરોપ
મૂકવામાં આવ્યો છે. કહેવાય છે કે, આ લોકોએ વ્હાઇટ હાઉસમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન
ડ્રોન ઉડાવીને વિસ્ફોટ કરવાની તૈયારી કરી હતી. આ ધડાકો થતાં લોકો જીવ બચાવવા માટે ભાગદોડ
કરે ત્યારે સ્નાઇપર શૂટર આ અંધાધૂંધીનો લભા ઉઠાવીને મોટા નિશાન સાધવા માગતો હતો.
શકમંદોના
નિશાને માત્ર ટ્રમ્પ જ નહીં બલકે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ, ઈઝરાયલના પ્રધાનમંત્રી
બેન્જામિન નેતન્યાહૂ અને ટેસ્લાના સીઇઓ એલન મસ્ક પણ હતા. આ ઉપરાંત ઈઝરાયલનું સમર્થન
કરતા સાંસદો પણ તેના નિશાને હતા.
પકડાયેલા
પાંચ આરોપીમાં એક 19 વર્ષીય ટાયસન પ્રોપર પણ સામેલ છે. તેની માતાએ પોલીસને જણાવ્યું
હતું કે, ઇન્ટરનેટનાં માધ્યમથી તે કટ્ટરવાદી જૂથોના સંપર્કમાં હતો. તેણે પોતાનાં ઘરમાં
જ હથિયાર અને હજારોની સંખ્યામાં કારતૂસ જમા કરી રાખ્યા હતા.