• બુધવાર, 17 જૂન, 2026

દિલ્હીમાં આતંકી નેટવર્કનો ભાંડાફોડ : 7ની ધરપકડ

પાકિસ્તાની હેંડલરનાં ઈશારે હથિયાર, દારૂગોળો અને ડ્રગ્સની તસ્કરી : ઈંજઈંની સંડોવણીની આશંકા

નવી દિલ્હી, તા.16: દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે રાજધાની દિલ્હીમાં સક્રિય પાકિસ્તાન સમર્થિત એક મોટા આતંકી નેટવર્કનો ભંડાફોડ કર્યો છે. સ્પેશિયલ સેલે આજે આ આતંકી નેટવર્કનો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, ગેંગના 7 શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર શહઝાદ ભટ્ટી અને તેના સાથી અજમલ ગુજ્જરના ઇશારે દેશ અને રાષ્ટ્રીય રાજધાનીમાં અશાંતિ ફેલાવવા માટે હથિયારોની તસ્કરીમાં સંકળાયેલા હતા. તેમને પાકિસ્તાની હથિયારો સરહદ પારથી ડ્રોન મારફતે પહોંચાડવામાં આવતા હતા. આ નેટવર્કને પાકિસ્તાનમાંથી ડ્રગ્સનો પણ પુરવઠો મળતો હતો.

આતંકીઓની આ ગેંગ પંજાબ મારફતે પાકિસ્તાનથી ગેરકાયદેસર હથિયારો, દારૂગોળો અને નશીલા પદાર્થોની તસ્કરીમાં સામેલ હતી. ગેંગના સભ્યો હથિયારો અને નશીલા પદાર્થોની ખેપ દિલ્હી સુધી પહોંચાડતા હતા. પોલીસે 5 પિસ્તોલ, 41 જીવતા કારતૂસ, 7 મોબાઇલ ફોન અને એક સ્કોર્પિયો વાહન જપ્ત કર્યું છે. આ આતંકી નેટવર્ક પાછળ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈનો હાથ હોવાની પણ શંકા છે. આ ગેંગ યુવાનોને ગેરમાર્ગે દોરીને દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ કરતી હતી. ગેંગ યુવાનોને આતંકી નેટવર્કમાં જોડવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરતી હતી. દેશના યુવાનોને મોટી કમાણીની લાલચ આપવામાં આવતી હતી. સરહદ પારના આતંકીઓના સંપર્કમાં રહેલા નેટવર્કના સભ્યો યુવાનોને ગેરમાર્ગે દોરીને તેમને ગુનાની દુનિયાનું આકર્ષણ બતાવતા હતા. યુવાનોને હથિયારો અને ડ્રગ્સની તસ્કરીના નેટવર્કમાં સામેલ કરવામાં આવતા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક