21 જૂનની નીટની પરીક્ષા અગાઉ પેપર લીક રોકવા કેન્દ્ર સરકારનો નિર્ણય
નવી
દિલ્હી, તા.16 : 21મી જૂનના ફરીથી લેવાઈ રહેલી નીટ-યુજીની પરીક્ષામાં પેપર લીક જેવી
ઘટનાનું પુનરાવર્તન રોકવા માટે કેન્દ્ર સરકારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)ની ભલામણને
આધારે આખા દેશમાં 22 જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ લગાવ્યો છે. એનટીએ અનુસાર
ઈલેકટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે દેશમાં 22 જૂન સુધી ટેલિગ્રામના
ઉપયોગ પર રોક લગાવવાનો પરિપત્ર બહાર પાડયો હતો. આ ઉપરાંત ટેલિગ્રામને ભારતમાં 30 જૂન
સુધી તેની ‘મેસેજ-એડિટિંગ’ સુવિધા બંધ રાખવાનો
પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. એનટીએએ જણાવ્યું હતું કે આ ફીચરનો અગાઉ પણ દુરુપયોગ કરવામાં
આવ્યો હતો. આ ફીચરમાં જૂના મેસેજને એડિટ કરીને અને પરીક્ષા યોજાઈ ગયા બાદ પરીક્ષાના
પેપર મૂકીને પેપર લીકના ખોટા પુરાવા બનાવવામાં આવ્યા હતા.
એનટીએએ
જણાવ્યું હતું કે આ બંને પગલાં જાહેર વ્યવસ્થા જાળવી રાખવા અને નકલ કરાવનારાઓની ગતિવિધિ
રોકવા માટે લેવામાં આવ્યાં છે જે કથિત રીતે નીટ-યુજીની ફરી પરીક્ષા આપનારા ઉમેદવારો
સાથે છેતરપિંડી કરવા આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકે તેમ હતા.
--------------
યુપીએસસી
પ્રીલિમ્સનું પેપર પણ લીક ?
નવી
દિલ્હી, તા. 16 : નીટ પેપર લીક બાદ હવે દેશની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી યુપીએસસી પ્રીલિમ્સ-2026ની
પરીક્ષાને લઈને નવો વિવાદ સર્જાયો છે. કેંગ્રેસના વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈએ આ પરીક્ષામાં
ગરબડ અને સંભવિત પેપર લીકનો આરોપ લગાવ્યો હતો અને નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી. એક
મીડિયા હેવાલ મુજબ, નેશનલ સ્ટુડેન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદ
જાખડે ગંભીર આરોપ લગાવતાં કહ્યું હતું કે, યુપીએસસી પ્રીલિમ્સના પેપરમાં પૂછાયેલા
100 સવાલમાંથી 82 પ્રશ્ન અનંતમ આઈએએસ નામના કોચિંગ ઈન્સ્ટિટયૂટના સ્ટડી મટિરીયલ સાથે
ખૂબ મળતા આવે છે. આ મામલાની ગંભીરતા જોતાં એનએસયુઆઈ યુપીએસસીને પત્ર લખશે તેમ પણ તેમણે
ઉમેર્યું હતું.